Video: સુરતમાં ચાની લારી પર ફ્રેશ ફ્રુટ ક્રશની 'ચા' નું થઈ રહેલું વેચાણ
- 15 ડિસેમ્બરે થાય છે ઈન્ટરનેશન ટી ડે ની ઉજવણી
કેળા, ચીકુ, સફરજન, મેંગો, સીતાફળ, જાંબુ જેવા ફ્રુટનું જ્યુસ, મિલ્ક શેક, કે આઈસ્ક્રીમ બને પણ હવે આવા ફ્રુટના જ્યુસની ચાનો પણ ટ્રેન્ડ શરૃ થયો
(પ્રતિનિધિ દ્વારા)સુરત, તા. 13. ડિસેમ્બર 2018 ગુરુવાર
સુરત સહિત ભારતમાં ૧૭મી સદી ( ૧૬૪૮)માં સુરત સહિત સમગ્ર ભારતમાં ચાની એન્ટ્રી કરવાનો શ્રેય સુરતના વેપારી વિરજી વોરાનો ફાળે જાય છે. આજથી ૩૭૦ વર્ષ પહેલાં સુરતમાં સુરતમાં ચાની એન્ટ્રી બાદ તાપી નદીમાં અનેક પાણી વહી ગયાં પણ સુરતીઓનો ચા પ્રત્યેનો લગાવ યથાવત જોળી રહ્યો છે.
સુરતીઓની ચા પ્રત્યેનો ક્રેઝના કારણે અત્યાર સુધી સાદી ગણાતી ચા પણ ફ્લેવર્ડ ચા બની ગઈ છે. સુરતમાં એક નાનકડી ચાની લારી એવી છે કે જેમાં ચા, ખાણ અને દુધની સાથે સાથે વિવિધ પ્રકારના ફ્રુટ કાપીને નાંખવામાં આવી રહ્યાં છે.
આગામી ૧૫ ડિસેમ્બરના રોજ સુરત સહિત વિશ્વમાં ઈન્ટરનેશનલ ટી ડેની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ દિવસે સુરતની એક નાનકડી ચાની લારી જ્યાં અનોખી ચાના શોખીન પી રહ્યાં છે. અત્યાર સુધીમાં આપણે ચાને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ચા ખાણ, દુધ અને મસાલા સાથે આદુ, લીલી ચા, ફુદીનો કે તુલસી નાંખીએ છીએ. પરંતુ આપણે પીએ છે તે ચામાં સફરજન, કેળું, કેરી, સીતાફળ, જાંબુ કે ચીકુ જેવા ફ્રુટનો માવો કે ચોકલેટ, કોકો જેવી વસ્તુઓ નાંખીને ચા ને ટેસ્ટી કરવામાં આવે છે તેવું ભાગ્યે જ કોઈ માની શકે તેમ છે. લોકો ન માની શકે તેવી અનોખી ચા સુરતના સોનીફળિયા પાણીની ભીત ખાતે આવેલી નાનકડી ચાની લારીમાં વેચાઈ રહી છે અને પીવાય રહી છે.
ચાની લારી ચલાવતા મનીષ પચ્ચીગર કહે છે, ચાની લારી છેલલા ૨૮ વર્ષથી ચલાવું છું પણ ફળોના માવાવાળી ચા ૧૭ વર્ષથી વેચી રહ્યો છું. એક વાર એક ગ્રાહકે મજાકમાં કેળાની ચા આપ તેવું કહેતાં મેં વાતને ગંભીરતાથી વિચારીને ચામાં કેળું નાંખી શકાય કો નહીં તેવું વિચાર્યું હતું. ત્યાર બાદ થોડી ચા બનાવી તેમાં કેળાનો માવો નાંખી ચા બનાવી અને આપી તો ગ્રાહકને ભાવી હતી. ત્યાર બાદ લોકોની ડિમાન્ડ પ્રમાણે હું ચીકુ, સફરજન, કેરી, સીતાફળ જેવા ફ્રુટનો માવો નાંખીને ચા બ નાવતો થયો છું. ઉપરાંત સિઝનલ ફ્રુટ આવે તેની પણ ચા હું ગ્રાહકનો બનાવી આપું છું.
ચા પીવા આવતાં ભરત સેલત કહે છે, પહેલાં ફ્રુટના ટેસ્ટવાળી ચા અજુગતું લાગતું હતું પરંતુ નજર સામે ચા બની અને ટેસ્ટ પણ ભાવ્યો હોવાથી અમે જુદા જુદા ફ્રુટના ટેસ્ટની ચા ટેસથી પીએ છીએ. હવે તો ગ્રાહકો જે ફ્રુટની ચા માગે તે ફ્રુટના ચા બનાવવા માટે મનીષભાઈ તૈયાર રહે છે. સાદી ચા પીવાથી કંટાળો આવે ત્યારે સમયાંતરે અમે વિવિધ ફ્રુટ કે સિઝનલ ફ્રુટની ચા ભેગા મળીને પીએ છીએ.