છેલ્લાં ચાર મહિનાથી નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલને જ ઘર અને દર્દીઓને પરિવાર બનાવ્યું યુવા ડોક્ટરોએ
- દર્દી નારાયણની નિષ્ઠાપૂર્વક સેવા કરી રહેલા અનેક યુવા ડોક્ટર્સ અન્યો માટે પ્રેરણારૂપ બન્યા
સુરત, તા. 30 જુલાઈ 2020 ગુરૂવાર
કોરોના સામે જંગ લડી રહેલી સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે નિ:શુલ્ક અને સઘન સારવાર મેળવવા માટે આધારરૂપ બની છે. સ્મીમેરમાં કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી દર્દીનારાયણની સેવા કરી રહેલા અનેક યુવા ડોક્ટર્સ તેમના સમર્પિત કાર્યશૈલીથી પ્રેરણારૂપ બન્યા છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના અને નવી સિવિલ હોસ્પિટલ વિવિધ વિભાગોના રેસિડેન્ટ ડોક્ટર સહિતના ડોક્ટરો પોતાનો જીવ જોખમમાં મૂકીને ખડે પગે તરીકે ફરજ બજાવી રહ્યા છે જોકે યુવા ડો. પાર્થ પટેલે છેલ્લાં ચાર મહિનાથી સ્મીમેર હોસ્પિટલને જ ઘર અને દર્દીઓને પરિવાર બનાવી દીધા છે.
કોરોના સામેના જંગનો અનુભવ વર્ણવતાં કહે છે કે, ‘હું છેલ્લા ચાર મહિનાથી ઘરથી દૂર રહીને મારી કોવિડ વોર્ડમાં ફરજ નિભાવું છું. મારી ડ્યૂટી કોવિડ-૧૯ વોર્ડમાં હોવાથી દર્દીઓની સારવાર દરમિયાન ઘણી કાળજી રાખવી પડતી હોય છે. ઘણી વાર દર્દી ગંભીર સ્થિતિમાં દાખલ થાય છે, ત્યારે તેમના પરિવારજનોને આશ્વાસન આપીએ છીએ અને તેમને સ્વસ્થ કરવાની શક્ય તમામ કોશિષો કરીએ છીએ.
કેટલાક યુવા ડોક્ટરો કહે છે કે મારા માતા પિતા સાથે સમય મળતા વિડીયો કોલથી પરિવારજનો સાથે વાત કરી લઉં છું અને ઘરના સભ્યો હિંમતથી કામ કરવા પ્રોત્સાહિત કરે છે. ઘરની ઉણપને પૂરી કરું છું. ખાસ કરીને મારા પિતાના જુસ્સા અને સપોર્ટના કારણે મારૂ યોગદાન આપીને કોઈ પણ દાખલ થયેલો દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત જાય એવા પ્રયાસો કરીએ છીએ.