સુરત: માસ્ક વગર કારમાં સવાર પિતા-પુત્રને પોલીસે દંડ ભરવાનું કહેતા અનશન પર બેસવાની ધમકી આપી
- વાહન ચેકિંગમાં પોલીસે કાર અટકાવી દંડ ભરવા કહ્યું તો પોલીસ સાથે જીભાજોડી કરી
સુરત, તા.20 જુલાઇ 2020, સોમવાર
વેસુ ચાર રસ્તા ખાતે માસ્ક વગર કારમાં સવાર પિતા-પુત્રએ દંડ ભરવાનો ઇન્કાર કરી જો તમે માસ્કનો દંડ ભરવાનું કહેશો તો હું અનશન પર બેસી જઇશ એવી ધમકી આપી રસ્તા પર બેસી જતા છેવટે પોલીસે પિતા વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાયરસના સક્રમણથી બચવા માટે માસ્ક જરૂરી છે અને માસ્ક વગર ઘરની બહાર નીકળનાર વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ હજી પણ કેટલાક લોકો ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. દરમ્યાનમાં ગત રોજ વેસુ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે જીજે-5 જેએચ-4073 નંબરની કાર અટકાવી હતી. કારમાં જીતેન્દ્ર ઇશ્વર પટેલ (ઉ.વ. 47 રહે. ઘર નં. 25 આકૃતિ બંગ્લોઝ, વેસુ) અને તેનો પુત્ર સવાર હતા અને બંન્નેએ માસ્ક પહેર્યુ ન હતું. જેથી પીએસઆઇએ પિતા-પુત્રને માસ્ક નહિ પહેર્યુ હોવાથી સમાધાન શુલ્ક પેટે રૂ. 200નો દંડ ભરવા જણાવ્યું હતું. પરંતુ જીતેન્દ્રએ દંડ ભરવાનો ઇન્કાર કરતા પોતે દંડ નહીં ભરે અને જો તમે માસ્કનો દંડ ભરવાનું કહેશો તો હું અનશન પર બેસી જઇશ એમ કહી ત્યાં રોડ પર જ બેસી ગયા હતા.
માસ્કનો દંડ ભરવાનો ઇન્કાર કરી પોલીસ સાથે જીભાજોડી કરી અનશન પર બેસવાની ધમકી આપનાર જીતેન્દ્ર વિરૂધ્ધ છેવટે પોલીસે કાયદેસરની કાર્યવાહી રૂપે એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.