સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં સફાઈની કામગીરી ન થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આરોગ્ય સામે ખતરો


- વેકેશન બાદ સત્રનો 17 મો દિવસ છતાં હજી શિક્ષણ સમિતિની શાળા સફાઈથી વંચિત 

- મોટાભાગની શાળામાં સફાઈ ન થતાં સ્કૂલના આચાર્યઓએ સમિતિને પત્ર લખી સ્થિતિની જાણકારી આપી છતાં હજી સુધી સફાઈ કર્મચારી ફરકતા નથી. 

સુરત,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં વેકેશન બાદ નવું સત્ર શરૂ થઈ ગયું છે અને 17 દિવસ પુરા થયાં છતાં સમિતિની સ્કૂલમાં સફાઈની કામગીરી ન થતાં હોબાળો મચી ગયો છે. સમિતિની અનેક સ્કૂલમાં સફાઈ ન થતાં વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. શાસકો તો હાલમાં ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને તંત્રની કામગીરી હાલ નબળી હોવાથી શાળાઓની સફાઈ થઈ શકી નથી, 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 300થી વધુ શાળામાં દોઢ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં વેકેશન બાદ નવું સત્ર શરૂ થઈ ગયું અને 17 દિવસનો સમય પસાર થઈ ગયો છે પરંતુ હજી પણ શિક્ષણ સમિતિએ સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સમિતિની શાળા સુધી પહોંચ્યા નથી. સમિતિની શાળામાં છેલ્લા 17 દિવસથી સફાઈ થતી ન હોય શાળામાં અનેક જગ્યાએ ગંદકી વધી રહી છે. શાળાના ટોયલેટ બાથરૂમ ગંધાઈ રહ્યાં છે. આવી  સ્થિતિ હોવાથી સમિતિની શાળામાં અભ્યાસ  કરતા બાળકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.

સમિતિની શાળા શરૂ થઈ ગઈ અને 17 દિવસો બાદ પણ સફાઈની કામગીરી શરૂ ન થતા વિદ્યાર્થીઓના આરોગ્યથી ચિંતિત એવી કેટલીક શાળાના આચાર્યોએ સમિતિને પત્ર લખ્યો છે. 10 નવેમ્બરથી સફાઈનો કોન્ટ્રાક્ટ આપવા માટેનો પત્ર આવ્યો છે પરંતુ હજી સુધી શાળામાં કોઈ પણ એજન્સીનો એક પણ સફાઈ કામદાર સફાઈની કામગીરી માટે આવ્યો નથી. જેના કારણે શાળામાં ગંદકી ફાલાઈ રહી છે અને વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાયું છે. જોકે, આવા પત્ર બાદ પણ સમિતિની શાળામાં સફાઈ માટે કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી તે આશ્ચર્ય છે.

આ એક કે બે સ્કુલનો પ્રશ્ન નથી પરંતુ સમિતિની તમામ શાળાઓમાં આ પ્રકારની ફરિયાદ આવી રહી છે. નિષ્ફળ શાસકો અને નબળા તંત્રને કારણે દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. કોન્ટરાક્ટ અપાયા બાદ પણ સફાઈ કામગીરી શરૂ કેમ નથી થઈ તે મોટો પ્રશ્ન છે. પરંતુ શાસકો અને તંત્ર સફાઈની કામગીરી શરૂ કરાવવામાં સફળ થયા ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ છે. 

શાળામાં સફાઈ કામગીરી કઈ અને કેવી રીતે કરવાની હોય છે

- શાળાના તમામ ફ્લોર પર આવેલા તમામ વર્ગખંડ, આચાર્ય ઓફિસ, સ્ટાફ રૂમ, હોલમાં દરરોજ એક વખત કચરા પોતા કરવા

- શાળાની તમામ ફ્લોરની લોબીમાં કચરા પોતા દરરોજ કરવા 

- રોજ એક વખત ફર્નિચર તથા બારી બારણાની કપડા વડે રોજ સફાઈ કરવી 

- પર્કિંગ એરિયામાં સફાઈ રોજ કરવી

- યુરિનલ્સ, ટોયલેટ, વોશબેસીનની સફાઈ દિવસમાં બે વાર કરવી

- શાળાના સમય પહેલાં રોજ કચરાપેટી ખાલી કરવી અને સફાઈ કરવી

- ડ્રેનેજની સફાઈ પ્રતિ સપ્તાહ કરવી

- બાગ બગીચામાં દરરોજ પાણી પાવું

આ ઉપરાંત પણ કોન્ટ્રાકટમાં અનેક કામગીરી છે જોકે, ભાગ્યે જ કોઈ સ્કુલમાં આ તમામ પ્રકારની કામગીરી થતી હશે પરંતુ કોન્ટ્રાક્ટરને પૈસા પુરા ચુકવવામા આવે છે તેવી પણ ફરિયાદ છે., 


City News

Sports

RECENT NEWS