સુરતમાં પડેલા વરસાદના કારણે વેડરોડ, ડભોલી ચાર રસ્તા સહિત અનેક જગ્યાએ પાણીનો ભરાવો
વહેલી સવારે પાલિકા તંત્ર ઉંઘતું ઝડપાયું લોકોને હાલાકી
વહેલી સવારે કતારગામ ઝોનના અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્કુલે જતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની હાલત કફોડી થઈ
સુરત, તા. 24 જુલાઈ 2023 સોમવાર
સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદના કારણે કતારગામના અનેક વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વહેલી સવારે શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં સ્કુલે જતાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની હાલત કફોડી થઈ ગઈ હતી.
આજે વહેલી સવારથી શરુ થયેલા વરસાદના કારણે ફરી એક વાર કતારગામ ઝોનમાં પાણીનો નિકાલ ન થતાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. કતારગામની અનેક સોસાયટી બહાર મુખ્ય રસ્તા પર પાણી ભરાયેલા હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી નડી હતી. કતારગામ, વેડરોડ, ડભોલી ચાર રસ્તા અને વડલા સર્કલ ખાતે વરસાદી પાણીનો ભરાવો થયો છે. કલાકો સુધી પાણીનો ભરાવો થતાં વાહનો અડધા ડૂબી ગયા હતા. પાર્ક કરેલા વાહનોમાં પાણી ભરાયા હતા જ્યારે વાહન ચાલકોએ રોડ પર ભરાયેલા પાણીમાં જોખમી રીતે વાહન ચલાવતા નજરે પડ્યા હતા.
કતારગામ ઉપરાંત આ વરસાદના કારણે અન્ય કેટલાક વિસ્તારમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.
સુરતમાં પડેલા વરસાદના કારણે વેડરોડ, ડભોલી ચાર રસ્તા સહિત અનેક જગ્યાએ પાણીનો ભરાવો#Surat #Monsoon #Rain #Water #SuratMunicipalCorporation pic.twitter.com/RgxY6sAq0o
— Gujarat Samachar (@gujratsamachar) July 24, 2023
પાણીનો નિકાલ ઝડપી ન થતાં પાલિકાએ પ્રિમોન્સુન કામગીરી અને સ્ટ્રોમ ડ્રેઈન ની સફાઈ યોગ્ય રીતે કરી ન હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.