mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દોઢ માસના બાળક માટે દેવદૂત સમાન સાબિત થયા, અન્નનળીના ભાગનું સફળ ઓપરેશન

Updated: Oct 31st, 2023

સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દોઢ માસના બાળક માટે દેવદૂત સમાન સાબિત થયા, અન્નનળીના ભાગનું સફળ ઓપરેશન 1 - image

સુરત,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર

નંદુરબાર થી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગંભીર ખસેડવામાં આવેલ દોઢ માસના આ બાળકની સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે જટીલ સર્જરી કરી હોસ્પિટલના તબીબો દ્વારા નવજીવન આપવામાં આવ્યું છે. બાળકના શરીરમાં જઠર અને આંતરડા વચ્ચે રહેલી અન્નનળી પર સોજો આવી જવાના કારણે અન્નનળીનો ભાગ જાડો થઈ ગયો હતો. જેથી બાળક માતાનું ધાવણ પણ લઈ શકતું નહોતું. જેથી ખોરાક ન લેવાના કારણે બાળકની હાલત ગંભીર થતાં નંદુરબારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં છેલ્લા બે દિવસ સુધી સારવાર આપ્યા બાદ વધુ સારવારનો ખર્ચ કાઢવામાં અસક્ષમ પરિવાર બાળકને લઈ સુરત નવી સિવિલ ખાતે લઈ આવતા નવજીવન મળ્યું છે.

 સુરત નવી સીવિલ હોસ્પિટલ જે હંમેશા વાદ-વિવાદોમાં રહેતી હોય છે, તે સુરત નવી સીવિલ હોસ્પિટલના તબીબો એક દોઢ માસના બાળક માટે દેવદૂત સાબિત થયા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના એસોસિયેટ ઓફિસર મહેશ વાઘેલા અને પીડીયાટ્રીક વિભાગના મહિલા તબીબ પ્રીતિ પટેલના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતા વિકાસ નાયકના ઘરે બાળક અવતર્યો હતો. જેના કારણે પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી પરંતુ પરિવારને ક્યાં ખબર હતી કે જે બાળક અવતર્યું છે તેનામાં કેટલીક કુદરતી ખામીઓ પણ છે. માસુમ બાળક "અંશ" માતાનું ધાવણ લીધા બાદ ઉલટી કરી દેતો હતો. જેના કારણે બાળકના શરીરમાં ખોરાક પચતો નહોતો. બાળકની હાલત ગંભીર થતા પરિવાર નંદુરબાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં બાળકના એક્સ-રે સહિતના રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. જન્મથી બાળકને જઠર અને આંતરડા વચ્ચે રહેલી અન્નનળી ઉપર સોજો આવવાના કારણે અન્નનળી વળી જવાથી બાળક માતાનું ધાવણ લઈ શકતું નહોતું. જેથી બાળક ઊલટી કરી દેતો હોવાનું રિપોર્ટમાં નિદાન થયું હતું. બે દિવસ સુધી અહીં બાળકને સારવાર આપવામાં આવી હતી.પરંતુ બે દિવસની સારવારનો ખર્ચ દસ હજાર રૂપિયાથી વધુ થયો હતો. ખાનગી હોસ્પિટલના સારવારનો ખર્ચ પરિવાર ચુકવવામાં અસમર્થ રહેતા નજીકના સંબંધીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

બાળકના પિતા વિકાસ નાયક દ્વારા સુરત રહેતા નજીકના સંબંધીનો સંપર્ક કરી બાળકને ગંભીર હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ગંભીર હાલતમાં ખસેડાયેલા બાળકને નવી સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં આવેલા પીઆઇસીયું વોર્ડમાં રીફર કરવામાં આવ્યું હતું.જ્યાં પીડિયાટ્રિક વિભાગના તબીબોએ બાળકને તપાસી તમામ જરૂરી રિપોર્ટ કાઢ્યા હતા. પીડીયાટ્રીક વિભાગના તબીબોની તપાસમાં બાળકને કોનજીનિટલ હાઇપર ટ્રોફિક પાયલોરોપલાસટી(ongenital Hypertrophic pyrloric stenosis) નામની બીમારી હોવાનું સામે આવ્યું હતું. તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળકના જઠર અને નાના આંતરડા વચ્ચે રહેલા અન્નનળીનો સાંકડો ભાગ સોજો આવવાના કારણે જાડો થઈ ગયો હતો. જેના કારણે બાળક માતાનું ધાવણ લઈ શકતો નહોતો. જેથી જટિલ ઓપરેશન કર્યા વિનો કોઈ છૂટકો નહોતો. આ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના એસોસિયેટ ઓફિસર અને પીડીયાટ્રીક વિભાગના તબીબી ટીમ દ્વારા (Ramdstedt pyloroplasty)નું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં ટેકનિકલ અને એને એનેસ્થેસિયાની ટીમનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. જે તમામના સંયુક્ત પ્રયાસથી ઓપરેશન પાર પાડી માસુમ દોઢ વર્ષના અંશને નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા નવજીવન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ જટિલ ઓપરેશન પાર પાડવા માટે તબીબોની ટીમને પણ દોઢથી બે કલાક જેટલો સમય લાગી ગયો હતો. જે જટિલ ઓપરેશન બાદ આજે માસુમ દોઢ વર્ષનું બાળક અંશ હસતું રમતું જોવા મળી રહ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનતના કારણે આજે ગરીબ-શ્રમજીવી પરિવારનું માસુમ બાળક પરિવાર વચ્ચે છે. સામાન્ય રીતે આ ઓપરેશન નો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં પંચાસ હજારથી લઈને ત્રણ લાખ સુધીનો થાય છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન સંપૂર્ણ નિશુલ્ક પણે કરી બાળકને નવજીવન આપવામાં સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમને સફળતા મળી છે. એક પ્રકારે નવી સિવિલ હોસ્પિટલના તબીબો આ બાળક અને પરિવાર માટે દેવદૂત સમાન સાબિત થયા છે. જ્યાં પરિવારે પણ નવી સિવિલ હોસ્પિટલના તબીબોનો સહ-હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે.

બીજી તરફ નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકનું સફળ ઓપરેશન કર્યા બાદ બાળકને માતાનું ધાવણ આપવાની શરૂઆત કરાવવામાં આવી છે. ઓપરેશન બાદ બાળક હાલ ધીરે ધીરે ખોરાક લેતું પણ થયું છે અને પહેલા જેવી કોઈ સમસ્યા પણ ઉદ્દભવી નથી. જેથી નવી સિવિલ હોસ્પિટલના તબીબોના કારણે આજે દોઢ માસનું બાળક ફરી બેઠું થયું છે અને પરિવારના ચહેરા પર ફરી ખુશીની લાગણી જોવા મળી રહી છે.જ્યાં ફરી રક વખત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દેવદૂત સાબિત થયા છે.

Gujarat