સુરત: ખેડૂતોને શાકભાજી તથા બાગાયતી પાકો ટેકાના ભાવે ખરીદવા માગ
સુરત, તા. 01 એપ્રિલ 2020 બુધવાર
કોરોના વાઈરસને કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોના શાકભાજી તથા બાગાયતી પાકો ટેકાના ભાવે ખરીદી કરવા સાથે પરિવહન માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માગ સાથે આજે ખેડૂત સમાજ દ્વારા સોશ્યલ મિડિયાના માધ્યમથી દેશના વડાપ્રધાનને કરી હતી.
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સોશ્યલ મિડિયાના માધ્યમથી વડાપ્રધાનને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, ખેડૂત સમાજ કોરોના વાઈરસને લઈને આપવામાં આવેલ લોકડાઇનને સમર્થન આપીએ છીએ.
નોકરિયાત વર્ગ તથા ધંધાદારીવર્ગ અને ખેતીના વ્યવસાય વચ્ચે ઘણો તફાવત છે. ધંધાદારીવર્ગ અને નોકરિયાતવર્ગને લોકડાઉન પૂરું થશે એટલે એમના ધંધા અને નોકરી ચાલુ થઈ જશે, જ્યારે ખેડૂતો માટે એવું નથી. ખેતી સમય આધારિત અને કુદરત આધારિત છે.
હાલમાં ખેડૂતોનો બાગાયતી પાક જેમ કે ચીકુ, પપૈયા, કેળા, દ્રાક્ષ વિગેરે ફળો તેમજ શાકભાજી જેવા પાકો તૈયાર થઈ ગયેલ છે. ખેતરોમાં તૈયાર થયેલ પાકનો નિકાલ/વેચાણ કરવું ખૂબ જરૂરી છે તેમજ ખેડૂતોએ આવનારી મોસમ માટે જમીન તૈયાર કરી વાવણીની તૈયારી કરવાની હોય છે પરંતુ હાલની પરિસ્થિતિના કારણે ખેડૂતોના ખેતરમાં ઉત્પાદન થયેલ પાકનું વેચાણ થઈ શકતું નથી.
ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાગાયતી પાક અને શાકભાજીના વેચાણ અને પરિવહનની ખેડૂતોને તકલીફ પડી રહેલ છે અને ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકશાન થઈ રહેલ છે. એ બાબતને ધ્યાને રાખી ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાગાયતી પાકો અને શાકભાજીના ઉત્પાદન અંગેનો સંબધિત વિભાગ કે સરકારી વહીવતીતંત્ર દ્વારા સર્વે કરાવી વળતર આપવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ. જેથી ખેડૂત દેવામાંથી બહાર નીકળી આવનાર મોસમના નવા પાક માટેની તૈયારી કરી શકે.
હાલમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ બાગાયતી પાકો અને શાકભાજીનું વેચાણ કરવાની યોગ્ય વ્યવસ્થાના અભાવના કારણે ટેકાના ભાવ કરતા પણ ખુબ જ નીચા ભાવે વેચાણ થઇ રહ્યા છે.
સરકાર સરકાર દ્વારા આ ખેડૂતોના તૈયાર થઈ ગયેલ બાગાયતી પાકો તથા શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરી સંબધિત વિભાગ કે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરી ખેડૂતો પાસે ખરીદી લેવામાં આવે તો ખેડૂતોને ગણી રાહત થાય તેમ છે અને ખેડૂતોને થતા આર્થિક નુકશાન માંથી બચાવી શકાય તેમ છે.
વર્તમાન પરિસ્થિતિમાં બાગાયતી પાકો તથા શાકભાજીના પાક માટે વેચાણની યોગ્ય વ્યવસ્થા અને પરિવહનની વ્યવસ્થા કરી નિકાલ કરવામાં આવશે નહીં તો ખેડૂતોને મોટુ નુકશાન થશે.