ડાંગનું સુપ્રસિધ્ધ તીર્થ શબરીધામ ઝંખી રહ્યું છે વિકાસ:ભક્તોને હાલાકી
- રામનાં નામે મત મળ્યાં પણ તીર્થધામોની અવદશા
- શબરી ધામનાં વિકાસ માટે ૧૮ કરોડની ગ્રાંટ મંજૂર પણ સુવિધાનાં નામે હજી મીંડુ:શૌચાલયનો પણ અભાવ
વાંસદા, તા. 13 જાન્યુઆરી 2019, રવિવાર
ડાંગનાં સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ તરીકે ઓળખાતા શબરીધામનાં પંપા સરોવરનાં વિકાસ માટે સ્થાનિક તંત્ર સહિત રાજકીય પ્રતિનિધીઓની નિષ્કાળજીનાં પગલે રામ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભગવાન રામનાં નામે મત માંગતા ભાજપી શાસકો ડાંગનાં પવિત્ર યાત્રાધામ પંપાસરોવર અને શબરીધામનાં વિકાસમાં ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. મકર સક્રાંતીનાં શુભ દિવસે ભગવાન રામનાં પંપા સરોવર અને શબરી ધામમાં પગલા પડયા હતા. તેથી આ સ્થાનનં ધાર્મિક માહત્મય હોવા છતાં પંપા સરોવરનો વિકાસ બોર્ડ સરકારનાં વ્હાલા દવલા એજન્સીને કામગીરી સોંપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ સચિવ અનિલ પટેલે ધાર્મિક સ્થળો અને રામાટ્રેલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર થયાનો સનસની ખેજ આક્ષેપ રાજ્ય સરકાર પર કર્યાનો ઓડીયો તાજેતરમાં વાયરલ થયો હતો. જે બાદ ડાંગનાં રામાયણ કાળ સાથે જોડાયેલા અંજન કુડ, શબરી ધામ, પંપા સરોવરના વિકાસ માટે અંદાજે ૧૮ કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર થવા છતાં પંપા સરોવરનો વિકાસ જોજનો દૂર રહેવા પામ્યો છે.
પંપા સરોવર ખાતે સ્નાનનો મહિમા હોય દર્શાનાર્થીઓ માટે સ્નાન બાદ શૌચાલય કે કપડાં બદલવા કોઈ વ્યવસ્થા પણ ન હોય ગુજરાત મોડલની શેખી મરતાં ખાદી ધારીઓની પોલ ખુલી જવા પામી છે. રાજ્યભરમાં વિવિધ ફેસ્ટીવલોનાં નામે તાયટફો કરતી ભાજપ સરકાર પોતાના મતબેંકનો મહત્વનું પાસા તરીકે ભગવાન રામ અને ભીલ માતા શબરીનાં સંગમનો મહિમાને ભુલી જઈ પ્રવાસીઓ માટે ભૌતિક વ્યવસ્થા પણ ઉભી કરવા ઉદાસીનતા દાખવતા હોય તેમની બેધાર નીતિ ઉઘાડી પડી ગઈ છે.
અલબત્ત વર્ષ ર૦૧૨-૧૩માં શાબરીધામ પંપા સરોવર, અજકુંડને રામાટ્રેલમાં આવરી લઈ વિકાસનો પાયો નંખાયો હતો પરંતુ યોજનાને પાંચ વર્ષ ઉપરાંતનો સમય પૂર્ણ થવા છતાં વિકાસ જોજનો દૂર રહેવા પામ્યો છે. તેવામાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મકરસક્રાંતિ નિમિત્તે ઉમટી પડતાં ભાવિક ભક્તો માટે શૌચાલયની વૈકલ્પીક વ્યવસાય ઉભી કરે તેવી ભક્તોમાં માંગ ઉઠવા પામી છે.