પાલનપોરમા લિફ્ટમાં ફસાયેલા બાળકને બચાવવા આવેલા ફાયરના જવાનોને જોવા જતાં દંપતી બાલ્કનીમાં ફસાયું
ફાયરજવાનોએ સાતમા માળેથી દોરડા વડે 5 માળ ઉતરીને દંપતીને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા
સુરત, તા. 26 માર્ચ 2023 રવિવાર
પાલનપોર કેનાલ રોડ પર શનિવારે રાત્રે એક એપાર્ટમેન્ટમાં લિફ્ટના દરવાજામાં બાળકનો હાથ ફસાયાનો કોલ મળતા ફાયરબ્રિગેડ પહોંચ્યું હતું. જોકે ફાયરને જોવા ગયેલા દંપતિ એપાર્ટમેન્ટની બાલ્કનીમાં ફસાઈ ગયા હતા. જ્યારે ફાયર જવાનોએ રેસ્ક્યુ કરીને દંપતિને બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પાલનપોર કેનાલ રોડ ન્યુ એલપી સવાણી સ્કૂલ પાસે મોનાર્ક રેસીડેન્સીમાં દસમાં માળે રહેતો 6 વર્ષીય વ્યોમ પ્રતાપ રયાણી શનિવારે રાત્રે રમવા માટે લિફ્ટમાં નીચે જવાનો હતો તે સમયે તેનો હાથ લિફ્ટના દરવાજામાં ફસાઈ ગયો હતો. કોલ મળતા પાલનપુર ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટના ઘસી ગયા હતા. તે દરમિયાન લીફ્ટના સેન્સરથી દરવાજો ખુલી જતા માસુમ વ્યોમનો હાથ નીકળી ગયો હતો. જોકે બાળકના હાથ સામાન્ય ઈજા થઈ હતી.
ત્યારબાદ ફાયરબ્રિગેડ સાઇલેન્ટ વગાડતા ત્યાં પહોંચી હતી ત્યારે ફાયરને જોવા માટે રેસીડેન્સીમાં અન્ય ટાવરમાં પાંચમા માળે રહેતા ગીરીશભાઈ મોદી (ઉ-વ-50)અને તેમની પત્ની નયનાબેન (ઉ-વ-47) બાલ્કનીમાં ગયા હતા. જોકે, બાલ્કનીમાં જતી વખતે તેમનાથી સ્લાઈડીંગ ડોર બંધ થઈ જતા દંપતિ બાલ્કનીમાં ફસાઈ ગયા હતા. જેથી તેઓએ તેમના પડોશીને ફોન કરીને બાલ્કનીમાં ફસાઈ ગયા હોવાની જાણ કરી હતી. જેથી પડોશીએ ફાયરબ્રિગેડને જાણ કરતા ત્યાં પહોંચી ગઈ હતી.
જોકે પાંચમાં માળે રહેતા દંપતીના ઉપરનો ફ્લેટ બંધ હોવાથી ફાયરની ટીમ સાતમા માળે પહોંચી હતી અને ત્યાંથી એક ફાયરજવાનને દોરડાની મદદથી નીચે પાંચમા માળે ઉતારી રસોડામાં મોકલ્યો હતો અને સ્લાઈડીંગ ડોર લોક ખોલીને દંપતીને બાલ્કનીમાંથી સહિસલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ફાયરને રેસ્ક્યુ કામગીરી કરતા પોણો કલાક જેટલો સમય થયો હતો. એવું ફાયર ઓફિસર કીર્તિ મોડે જણાવ્યું હતું.