સુરત: શહેર-જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ 10 હજારને પારઃ ત્રણ ઝોનમાં એક હજારને પાર
- સુરતમાં કોરોના જેટ સ્પીડથી વધી રહ્યો છે
વરાછા એ અને લિંબાયતમાં એક હજાર જ્યારે કતારગામમાં બે હજારને પારઃ શહેરના 375 જિલ્લાના 57 મળી 432 મોત
સુરત, તા. 19 જુલાઈ 2020 રવિવાર
સુરતમાં કોરોનાના કહેર જેટ સ્પીડે વધી રહ્યો છે 19 માર્ચથી 19 જુલાઈ સુધીના પાંચ માસમાં સુરતમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓ દસ હજારથી પણ વધી ગયાં છે. તેમાં પણ સુરત મ્યુનિ.ના એક ઝોનમાં બે હજાર જ્યારે બે ઝોનમાં એક એક હજારથી પણ વધુ દર્દીઓ થઈ ગયાં છે. સુરત શહેર અને જિલ્લા મળી 10124 કોરોના પોઝીટીવ દર્દીઓ આજ સુધી થઈ ગયાં છે જેમાંથી 432 પોઝીટીવ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
સુરતમાં રવિવારે બપોર સુધીમાં શહેરમાં 88 અને જિલ્લામાં 40 મળી કુલ 128 કેસ જાહેર થતાં જ સુરત મ્યુનિ. વિસ્તારમાં 8398 અને જિલ્લામાં 1704 મળી કુલ 10124 કેસ થઈ ગયાં છે. સુરત શહેરમાં શનિવારે રાત્રી સુધીમાં 375 અને જિલ્લામાં 57 દર્દી મળીને શહેર જિલ્લા મળીને 432 કોરોના પોઝીટીવ લોકોએ જીવ ગુમાવ્યા છે.
સુરત શહેરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ લિંબાયત ઝોનમાં હતું તે ઘટી ગયું છે અને કતારગામ ઝોનમાં સૌથી વધુ સંક્રમણ છે. અન લોક બાદ કતારગામ ઝોનમાં જેટ ગતિએ કોરોના સંક્રમણ વધતાં કોરોનાના દર્દી 2008 થઈ ગયાં છે. જ્યારે લિંબાયત ઝોનમાં 1303 અને વરાછા એ ઝોનમાં 1126 દર્દીઓ નોંધાય છે.
સેન્ટ્રલ ઝોનમાં શનિવારે રાત સુધીમાં 980 દર્દી તથા રાંદેર ઝોનમાં 818 દર્દીઓ નોંધાય છે. જ્યારે સૌથી ઓછા કેસ સ્લમ વિસ્તાર અને પરપ્રાંતિય વિસ્તાર એવા ઉધના ઝઓનમાં 610 કેસ છે જ્યારે અઠવા ઝોનમાં 649 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.સુરતમાં કેટલાક વિસ્તારમાં સેલ્ફ લોક ડાઉન જોવા મળે છે તો બીજી તરફ કેટલાક ઉદ્યોગ શરૂ થઈ ગયાં છે તેથી આગામી પંદર દિવસ સુરત માટે ઘણા જ કપરા સાબિત થઈ શકે છે. જો સુરતમાં તકેદારી રાખવામાં તંત્ર અને લોકો નિષ્ફળ નિવડે તો કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ઘણી વધી શકે છે.
ઝોન | કુલ કેસ |
સેન્ટ્રલ | 980 |
વરાછા-એ | 1126 |
વરાછા- બી | 816 |
રાંદેર | 818 |
કતારગામ | 2008 |
લિંબાયત | 1303 |
ઉધના | 610 |
અઠવા | 649 |
કુલ | 8310 |
જિલ્લા | 1686 |
બપોર સુધીમાં | 128 |
કુલ | 10124 |