સુરતમાં મોટાભાગના પાર્ટી પ્લોટ પરવાનગી વિના ચાલતા હોવાની પાલિકાની કબૂલાત
- પાર્કિંગ વિનાના પાર્ટી પ્લોટ ની કઠામણ
- પરવાનગી વિના ચાલતા પાર્ટી પ્લોટ પ્રસંગ દરમિયાન પણ બંધ કરાવવાની ચીમકી સાથે બુકિંગ પહેલા ચકાસણી કરવા લોકોને સુચના
સુરત, તા. 08 માર્ચ 2019, શુક્રવાર
સુરત શહેરમાંલગ્ન તથા અન્ય પ્રસંગો માટે ઉપયોગમાં આવતા મોટાભાગના પાર્ટી પ્લોટ પાલિકાની મંજૂરી વિના ચાલતા હોવાની કબૂલાત ખુદ પાલિકા તંત્રે જ કરી છે. પાલિકાની મંજૂરી વિના તથા પાર્કિંગની સુવિધા વિના ચાલતા પાર્ટી પ્લોટ સામે કાર્યવાહી કરવા માટે સુરત પાલિકાએ એક જાહેર નોટિસ બહાર પાડી છે. આ નોટિસમાં મોટાભાગના પાર્ટી પ્લોટ પરવાનગી વિના તથા પાર્કિંગ વિના ચાલતા હોવાનું જણાવી તેની સામે કાર્યવાહીની તૈયારી કરી છે. પાલિકાએ લોકોને પાર્ટીપ્લોટના બુકિંગ પહેલા તકેદારીની સૂચના આપતાં જણાવ્યું છે કે મંજૂરી વિના ચાલતા પાર્ટી પ્લોટ પ્રસંગ દરમિયાન પણ બંધ કરવામાં આવી શકે છે.
સુરત શહેરની ટ્રાફિક સમસ્યા માટે ગેરકાયદેસર દબાણ સાથે પાલિકાની મંજૂરી વિના તથા પાર્કિંગની સુવિધા વગર ચાલતા પાર્ટીપ્લોટ પણ છે. સુરત પાલિકામાં મંજૂરી વિના ચાલતા આવા પાર્ટી પ્લોટ સામે કાર્યવાહી કરવા માટે લાંબા સમયથી માંગણી થઈ રહી છે.
હાલમાં કરવામાં આવેલા એક સર્વે દરમિયાન શહેરના મોટાભાગના પાર્ટી પ્લોટ માં પાર્કિંગની સુવિધા ન હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ચોંકાવનારી એક વાત એ પણ બહાર આવી છે કે ખુલ્લા પ્લોટ નો ઉપયોગ પાર્ટીપ્લોટ કરી કે કરીને પ્લોટ માલિકો પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. આવી અનેક ગંભીર બાબત ધ્યાને આવતા સુરત મહાનગર પાલિકાએ પાર્ટીપ્લોટનું બુકિંગ કરાવતા શહેરીજનો માટે એક જાહેર નોટીસ બહાર પાડી છે.
પાલિકાની જાહેર નોટિસ માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે શહેરમાં મોટાભાગના પાર્ટી પ્લોટ પાલિકાની મંજૂરી લીધા વિના જ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત મોટાભાગના પાર્ટી પ્લોટ માં પાર્કિંગ માટેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવો હોવાને કારણે પાર્ટી પ્લોટમાં પ્રસંગ હોય ત્યારે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થાય છે. સુરત પાલિકાએ થોડા દિવસ પહેલા અઠવા ઝોનમાં આઠ જેટલા પાર્ટી પ્લોટ મંજૂરી ન હોવાને કારણે સીલ કર્યા હતા.
જોકે ત્યારબાદ પાર્ટી પ્લોટ સામે કાર્યવાહી કરવા નું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. હવે હાલની લગ્ન સિઝન પૂરી થવા આવી છે ત્યારે સુરત પાલિકાએ નવી લગ્ન સિઝન શરૂ થાય તે પહેલા શહેરીજનોને પાર્ટીપ્લોટના બુકિંગ પહેલા તકેદારી રાખવા માટેની સૂચના આપી છે.
પાલિકાએ જણાવ્યું છે કે પરવાનગી વિના ના કે પાર્કિંગ વ્યવસ્થા વિનાના પાર્ટી પ્લોટ નો વપરાશ બંધ કરવા માટે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા કામગીરી કરવાની હોય શહેરમાં નાગરિકોએ કોઈપણ પાર્ટી પ્લોટમાં કોઈપણ પ્રસંગનું આયોજન કરતા પહેલા પ્લોટની અધિકૃત પરવાનગી છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે.
આ ઉપરાંત જે પાર્ટીપ્લોટ શહેરીજનો ભાડે રાખે છે તેમાં પાર્કિંગની સુવિધા અંગે પણ માહિતી મેળવવાની રહેશે. આ જાહેર નોટિસ છતાં પણ પરવાનગી વિનાના કે પાર્કિંગ વિનાના પાર્ટીપ્લોટ કોઈ ભાડે રાખશે તો ચાલુ પ્રસંગ દરમિયાન પણ પાર્ટીપ્લોટ બંધ કરાવવા માટે સુરત મહાનગરપાલિકા કામગીરી કરશે જેની ગંભીર નોંધ લેવા માટે સૂચના આપવામાં આવી છે. આવી સ્થિતિ માટે તમામ જવાબદારી પ્લોટ ધારક તથા પ્લોટમાં પ્રસંગનું આયોજન કરનાર લોકોની રહેશે એવું પણ જણાવવામાં આવ્યું છે.
પાલિકા વિસ્તારમાં મોટાભાગના પાર્ટી પ્લોટ મંજૂરી વિના ચાલતા હોવાની કબૂલાત જાહેર નોટિસ માં ખુદ સુરત મહાનગરપાલિકાએ જ કરી છે. સંખ્યાબંધ પાર્ટીપ્લોટ મંજૂરી વિના ચાલતા હોવા છતાં પાલિકા તેની સામે કડક કાર્યવાહી કરતી નથી. અને બીજી તરફ પ્રસંગ દરમિયાન પણ પ્લોટ બંધ કરાવવાની ચીમકી આપી રહી છે. પાલિકાની આવી નીતિને કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે શંકા થઈ રહી છે.