Get The App

સુરત મ્યુનિ.ની સીટી અને બીઆરટીએસ બસમાં રોજના 70 હજાર જેટલા મુસાફરો ઘટ્યા

- દિવાળી વેકેશનના કારણે સામુહિક પરિવહન સેવાના મુસાફરોમાં ઘટાડો

Updated: Nov 10th, 2021

GS TEAM


Google News
Google News
સુરત મ્યુનિ.ની સીટી અને બીઆરટીએસ બસમાં રોજના 70 હજાર જેટલા મુસાફરો ઘટ્યા 1 - image


એક નવેમ્બરથી રોજેરોજ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં પાલિકાની આવકમાં પણ ઘટાડો

સુરત, તા. 10 નવેમ્બર 2021 બુધવાર 

સુરતમાં દિવાળી વેકેશન સાથે સાથે ધંધા રોજગાર પણ બંધ જેવા હોવાની સીધી અસર પાલિકાના સામુહિક પરિવહન પર પડી છે. સુરત મ્યુનિ. દ્વારા ચલાવવામાં આવતાં સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરોની સંખ્યામાં રોજેરજ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સુરત મ્યુનિ.ની સીટી અને બીઆરટીએસ બસમાં રોજના 60થી 70 હજાર જેટલા મુસાફરો ઘટી રહ્યાં છે તેના કારણે પાલિકાની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.

સુરત મ્યુનિ. તંત્રએ સુરતીઓની સુવિધા માટે સીટી અને બીઆરટીએસ બસ દોડાવાવમાં આવી રહી છે. દિવાળી પહેલાં સુરત મ્યુનિ.ની સીટી અને બીઆરટીએસ બસમાં રોજના 2.10 લાખથી 2.20 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતાં હતા. પરંતુ દિવાળીના તહેવાર પહેલાથી જ સુરતની સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. 

1 નવેમ્બરે સુરતની સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરોની સંખ્યા 2.20 લાખથી ઘટીને 1.74 લાખ થઈ ગઈ હતી. ત્યાર બાદ આ સપ્તાહમાં મુસાફરોની સંખ્યા ઘટીને 1.16 લાખ પર પહોંચી ગઈ હતી. જોકે ત્યાર બાદ 7 નવેમ્બરના રોજ મુસાફરોની સંખ્યા 1.51 લાખની થઈ ગઈ હતી. 

સુરતમાં વસતાં સૌરાષ્ટ્રીયન અને અન્ય રાજ્યમાં રહેતાં લોકો દિવાળી વેકેશનમાં પોતાના વતન જતાં રહ્યાં છે. ઉપરાંત દિવાળીના કારણે સુરતમાં અનેક દુકાન, માર્કેટ અને ધંધા બંધ હોવાથી હજી લોકોની અવર જવર શરૂ થઈ નથી. બીજી તરફ અનેક સુરતીઓ સુરત બહાર ફરવા ગયાં છે  જેના કારણે સુરતની સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરો ઘટી રહ્યાં છે અને તેના કારણે પાલિકાની આવકને પણ ફટકો પડી રહ્યો છે.

Tags :