સુરતના આભવા અને ઉભરાટને જોડતો બ્રિજ બનાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત
સુરત, તા. 12 ડિસેમ્બર 2020 શનિવાર
સુરત મહાનગરપાલિકા અને સુડાના વિકાસના રૂ. 514.15 કરોડના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ વિધિ કરવા સુરત આવેલા રાજ્યના મુખ્યમંત્રીએ આજે રૂ.217 કરોડના ખર્ચે આભવા અને ઉભરાટને જોડતો બ્રિજ બનાવવાની જાહેરાત કરતા બિલ્ડરોના ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
આજે આ બ્રીજની જાહેરાત કરવાની સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ બ્રિજ ગવિયર આભવા અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ થઈને પાસ થનાર હોવાથી આગામી દિવસોમાં નવસારી ખાસ કરીને ઉભરાટ જવાનું સરણ થઈ જશે. સાથે જ પ્રવાસનને પણ સારો વેગ મળશે. તેમણે કહ્યું હતું કે આ બ્રીજને મે મંજૂરી આપી દીધી છે. તેમને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા કે તેમના રાજમાં ફકત ખાત મુહૂર્તો થતાં હતા. કામ તો બહુ મોડા થતાં હતાં. જ્યારે ભાજપની સરકારમાં નિયત સમય મર્યાદામાં કામો પૂર્ણ થઈ રહ્યા છે.
સૂત્રો ના જણાવ્યા મુજબ ચારેક વર્ષ પહેલાં આ બ્રીજ બનાવવાની વાતો થઇ હતી. તે સમયે આ વિસ્તારમાં જગ્યાના ભાવો વધી ગયા હતા અને ખરીદી પણ મોટા પાયે થઈ હતી. જોકે બ્રીજ બનવાની વાત કાગળ પર જ રહેતા ખરીદનારા નિરાશ થઈ ગયા હતા. જોકે આજે જાહેરાત કરતા જ ફરીથી તેજી શરૂ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.