અછબડાને માતાજી સમજતા હોવાથી સારવાર ન કરાવતા બાળક મોતને ભેટયો
- બાળકની તબિયત લથડતા તે મોતને ભેટયો
- અછબડાની સારવાર નહીં કરાવતા ઇન્ફેક્શન થતાં મોત થયું આ રોગ અંગેની ઘણી ધાર્મિક માન્યતાઓ છે પણ તે ખોટી છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 જાન્યુઆરી 2019, સોમવાર
રાંદેરના પાલનપુર જકાતનાકા રોડ પરનો પાંચ વર્ષીય બાળક અછબડા એટલે કે ચિકન પોક્સની બિમારી સપડાયો હતો. આ બિમારીને પરિવારજનો માતાજી સમજતા હોવાથી બાળકની સારવાર કરાવી ન હતી. જેને કારણે તેની તબિયત લથડતા મોતને ભેટયો હતો.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાલનપુર જકાતનાકા પાસે આવેલા પ્રશાંત નગરમાં રહેતા નંદકુમાર નિશાદનો પાંચ વર્ષીય પુત્ર ક્રિષ્ના ત્રણ-ચાર દિવસ પહેલા અછબડાની બિમારીમાં સપડાયો હતો.આજે વહેલી સવારે બાળકની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબી તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ક્રિષ્નાની માતાને અછબડા થયા બાદ ક્રિષ્ના પણ અછબડાની બિમારીમાં સપડાયો હતો. આ બિમારીને તેના પરિવારજનો માતાજી માનતા હોવાથી સારવાર માટે લઇ ગયા ન હતા. દરમિયાન બાળકની તબિયત લથડતા તે મોતને ભેટયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરનાર ડા.સુમિત જાગાણીએ જણાવ્યું કે, બાળકને અછબડાને લીધે તાવ આવતો હતો. અછબડાની સારવાર નહીં કરાવતા ઇન્ફેક્શન થવાથી તે મોતને ભેટયો હતો.
નવી સિવિલ હોસ્પિટલના બાળકો વિભાગના વડા ડો. વિજયભાઈ શાહે જણાવ્યું કે, મોટાભાગે માર્ચ અને એપ્રિલ માસમાં અછબડા એટલે કે ચિકન પોક્સના કેસ જોવા મળે છે. શરૂઆતમાં આ બિમારી થાય એટલે તાવ આવે, ખાસી, શરદી કે શરીર તૂટે,આખા શરીર ઉપર પાણી ભરેલી ફૂલ્લી જેવી દેખાય છે. આ રોગ વાઈરસથી થાય છે. આ રોગને લીધે ઘણી બધી ધામક માન્યતાઓ છે. તે ખોટી છે. આ રોગ એક વર્ષથી ૨૦ વર્ષ સુધીના વ્યક્તિઓમાં જોવા મળે છે.
જોકે બાળકના ૧૫ માસ પુરા થાય એટલે તેને અછબડાની રસી મુકાવવી જોઇએ. આ રસી મૂકાવવાથી આ રોગ થવાની શક્યતા ઘટી જાય છે. જો થાય તો પણ હળવા લક્ષણો દેખાય છે. અને તેની સારવાર શક્ય છે. આ રોગમાં ભુવા-ભગત પાસે કે દોરાધાગા કરાવવા જવાની જરૂર નથી. આ પ્રકારની તકલીફ થાય એટલે માત્ર તબીબી સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ.