Get The App

સરથાણા બસ સ્ટેન્ડ પર ઉભેલી બીઆરટીએસ બસમાં આગ લાગતા મચી અફડાતફડી

Updated: Jul 21st, 2022

GS TEAM

Google News
Google News
સરથાણા બસ સ્ટેન્ડ પર ઉભેલી બીઆરટીએસ બસમાં આગ લાગતા મચી અફડાતફડી 1 - image


- બસ ભડભડ સળગવા લાગી, ડ્રાઈવર સહિત 10 મુસાફરો સમયસર બહાર નીકળી ગયા

સુરત,તા.21 જુલાઈ 2022,ગુરૂવાર

સરથાણાના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આજે સવારે મુસાફરોને લઈને ઉભેલી એક બીઆરટીએસ બસમાં આગ લાગતા ભડભડ સળગતા સ્થળ ઉપર ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જોકે બસની અંદર બેઠેલા 10 જેટલા મુસાફરો અને ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતા જીવ બચી ગયા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ આવાસથી આજે સવારે બીઆરટીએસ બસ સરથાણા નેચર પાર્ક જવા માટે નીકળી હતી. તે સમયે સરથાણાના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઉભેલી બસમાં આગળના ભાગે એન્જીનમા શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જોકે ધુમાડાની ર્ગંધ આવતા બસ ચાલક અને બસમાં બેસેલા ચાર મહિલા સહિત 10 વ્યક્તિઓ તરત નીચે ઉતરી ગયા હતા. જોત જોતામાં પળવારમાં જ બસ ભડભડ સળગવા લાગી હતી. બનાવને પગલે બસ સ્ટેન્ડ સહિતના લોકોમાં ભારે અફડાતફડી અને ભાગદોડ થઈ જવા પામી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા કાપોદ્રા અને પુણાગામ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને સતત પાણીનો છંટકાવ કરતા 20 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જેને લીધે હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

નોંધનીય છે કે બસ ડ્રાઈવર અમરસિંહ સોલંકીએ સમયસૂચકતા વાપરીને પોતે તેમજ અંદર બેઠેલા મુસાફરોને સમયસૂચકતા વાપરીને બાહર કાઢી લીધા હતા. ચાર મહિલાઓ તેમજ છ પુરુષો સહીત 10 જેટલા મુસાફરોના જીવ બચી ગયા હતા અને મોટી જાનહાની ટળી ગઈ હતી. જોકે આગની લપેટમાં આવતા આખી બસ સળગી ગઈ હતી. આ અંગે ફાયર ઓફિસર વિનોદ રોજીવાડીયાએ જણાવ્યું હતું.

Tags :