mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું

- 14 વર્ષની સૌથી નાની ઉંમરે બંને હાથોનું અંગદાન થયું હોય એવી દેશની સૌપ્રથમ ઘટના

Updated: Oct 31st, 2021

સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું 1 - image


સુરત, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર

ઓર્ગન ડોનર સિટી સુરતમાં સૌપ્રથમવાર દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું હતું. ઉજાસના પર્વ દિવાળી પહેલાં માત્ર 14વર્ષીય બાળકના અંગદાનથી છ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો છે. લેઉવા પટેલ સમાજના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માણસાઈના દિવા પ્રગટાવ્યા છે. અંગોને સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા સુરત પોલીસે સૌપ્રથમ વાર એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા હતા. સુરતમાંથી હ્રદયના દાનની ૩૭મી અને ફેફસાના દાનની 11મી ઘટના બની છે.

સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું 2 - image

દેશમાં સૌપ્રથમ વખત 2015માં કોચીમાં અમૃતા હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ દેશનું 19મુ હાથનું ટ્રાન્સપ્લાન્ટ છે. પરંતુ સૌથી નાની ઉમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથોનું દાન કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે. ઉપરાંત ફિસ્ચ્યુલાવાળા હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી પણ દેશની સૌ પ્રથમ ઘટના છે.

રામપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા, કતારગામ ખાતે રહેતા અજયભાઈ કાકડિયાના બ્રિલીયન્ટ વિદ્યાલયમાં ધો.-10માં અભ્યાસ કરતા પુત્ર ધાર્મિકને તા.27 ઓક્ટો.ના રોજ અચાનક ઉલટીઓ થતા અને બ્લડ પ્રેશર વધી જવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ન્યુરોફિજીશિયનએ સારવાર દરમિયાન સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ગંભીર હાલતમાં રહેલાં ધાર્મિક સ્વસ્થ થાય એમ ન હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફ સંસ્થાની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું 3 - image

ધાર્મિકના માતા-પિતા લલિતાબેન અને અજયભાઈએ જણાવ્યું કે, અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની સમસ્યા હતી, અને છેલ્લા એક વર્ષથી સપ્તાહમાં ત્રણ વખત ડાયાલિસીસ કરાવવું પડતું હતું. ડાયાલિસીસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જયારે અમારો વ્હાલો ધાર્મિક બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે સહર્ષ આગળ વધવા સંમતિ આપી હતી.

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું 292 કિ.મી.નું અંતર 105 મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી વ્યક્તિમાં ડૉ.નિલેશ સાતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વ્યક્તિને ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે તેના બંને હાથ અને પગ કપાઈ ગયા હતા. તે પુનામાં એક કંપનીમાં ક્લેરિકલ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મુંબઈમાં હાથનું આ ચોથું ટ્રાન્સપ્લાન્ટ છે.

સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું 4 - image

હાથનું ટ્રાન્સપ્લાન્ટ છ થી આઠ કલાકમાં કરવાનું હોય છે, અન્યથા હાથ કામ કરતા બંધ થઈ જાય છે. તેથી બંને હાથને સમયસર મુંબઈ મોકલવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, અને ચાર્ટર વિમાન મારફતે હાથને 105 મિનીટમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.

Gujarat