બીલીમોરાના સોમનાથ મંદિરના સ્વયંભૂ શિવલીંગનો ઇતિહાસ 1600 વર્ષ જૂનો
- 12મી સદીના પ્રારંભમાં સોલંકીયુગમાં સ્થાપત્ય ધરાવતા
- જમીનમાંથી ચાર ફૂટનું શિવલીંગ બહાર નીકળ્યું અને બે ફાડચા થયા, તેમાં રાજપૂતાણી બેસી ગઇ અને ફાડચા બીડાઇ ગયાની દંતકથા
બીલીમોરા, તા. 24 ઓગસ્ટ 2018, શુક્રવાર
બીલીમોરાનું સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર શિવભક્તોની શ્રધ્ધાનું મોટું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો શિવદર્શનનો લાભ ઉઠાવી રહ્યાં છે. મંદિરના પરિસરમાં શ્રાવણી મેળો પણ જામ્યો છે.
સોમનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ પ્રગટ શિવલીંગનો ઇતિહાસ ૧૬૦૦ વર્ષ જૂનો છે. ૧૨મી સદીનાં પ્રારંભમાં સોલંકીયુગનું સ્થાપત્ય ધરાવતા આ શિવમંદિર અંબિકા-કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું હોવાનો ઉલ્લેખ પુરાણમાં કરવામાં આવ્યો છે. આ વિસ્તાર બિલ્વી વૃક્ષોથી આચ્છાદિત હોવાનું ગામનું નામ બીલીમોરા પડયું હોવાનું કહેવાય છે.
૧૯૨૫માં ગણદેવીનાં દેસાઇજી કુટુંબના વડાને સ્વપ્ન આવતાં તેમણે પ્રથમ વખત મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યા બાદ, ૫૦ વર્ષ બાદ ૧૯૭૫માં બીજી વખત હાલનાં મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો હતો. ૧૦૮ ફૂટ ઉંચા ઘુમ્મટવાળા ભવ્ય શિવાલય સમગ્ર દક્ષિણ ગુજરાતનું સૌથી ઉંચુ મંદિર ગણાય છે. લોકકથા મુજબ પુરાણકાળમાં હાલનાં મંદિરવાળો વિસ્તાર દેસરા ગામનો જંગલનો વિસ્તાર હતો.
જેમાં રાજપૂતોની પણ વસ્તી હતી. રાજપૂત પરિવારનાં પશુ અહીં ચરવા આવતા હતા. તે પૈકીની એક ગાય ચોક્કસ જગ્યા પર આવીને ઉભી રહેતી અને ત્યારે તેના આંચળમાંથી આપોઆપ દૂધ નીકળતું હતું. આ ક્રમ દરરોજ ચાલુ રહેતા ડોર ચરાવતા ગોવાળે આ વાત પશુની માલિકણ રાજપૂતબાઇને કરતાં તેને કુતૂહલ થયું અને સ્ત્રી સહજ જિજ્ઞાાશાથી પ્રેરાઇને આ રજપૂતાણી લપાતી- છુપાતી ગાયની પાછલ ગઇ હતી. અને તે જગ્યાએ આંચળમાંથી દૂધની ધારા આપોઆપ વહેતી હતી. તે જગ્યાને સાફ કરી તો નીચે શિવલીંગ દેખાયું.
જ્યાં રજપૂતાણી દરરોજ આવીને ભક્તિભાવપૂર્વક પૂજા કરવા લાગી હતી. દરમ્યાન પોતાની પત્નીને રોજ સજીધજીને ઝાડીમાં એકલી જતી જોઇને તેના પતિને શંકા ગઇ હતી અને તે હાથમાં તલવાર લઇને ગુપચુપ રાજપૂતાણીની પાછળ ગયો હતો. ધ્યાનમગ્ન દશામાં પૂજા કરતી હતી ત્યારે અચાનક પતિને ખુલ્લી તલવાર સાથે સામે જોતા તે ક્ષોભથી ભયભીત બની ગઇ હતી.
'હે મહાદેવ મને બચાવો' એવો આંતર્નાદ કરતી શિવલીંગને વળગી પડી. ત્યાં ચમત્કાર થયો અને અચાનક ચાર પૂઠનું શિવલીંગ જમીનમાંથી બહાર નીકળી અને તેના બે ઉભા ફાડચા થયા તેમાં રજપૂતાણી બેસી ગઇ અને ફાડચા બીડાઇ ગયા હતા. કહેવાય છે કે, રજપૂતાણીના માથાના વાળ અને તેની સાડીનો છેડો ફાટની તિરાડમાંથી વર્ષો સુધી બહાર દેખાતી હતી. એમાં સતીનું સત્ હોવાથી આ સ્વયંભૂ શિવલીંગનો અનેરો પ્રભાવ છે.
દર શ્રાવણ મહિનામાં અહીં મેળો જામે છે
આખા શ્રાવણ મહિનામાં મંદિરનાં પરિસર સહિત અડધો કિલોમીટરનાં વિસ્તારમાં મોટો શ્રાવણી મેળો જામે છે. જેમાં દૂર દૂરથી વેપારી આવી વિવિધ ઘરઉપયોગી ચીજવસ્તુની દુકાનો લગાવે છે. ચગડોળ- સહિત મનોરંજનનાં સાધનોની ભરમાર રહે છે. આખા શ્રાવણ મહિના દરમ્યાન ૨૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓ સોમનાથદાદાના દર્શનનો લાભ લેતા હોય છે. છેલ્લા શ્રાવણ સોમવારે છેક ભરૂચ-સુરત જિલ્લામાંથી શ્રધ્ધાળુ પગપાળા દર્શને આવે છે.