બારડોલી શુગર ફેક્ટરી ખેડૂતોના હીતમાં બાય પ્રોડક્ટ પ્લાન્ટ નાંખશે
- 63 મી વાર્ષિક સભામાં બાય પ્રોડક્ટના ત્રણ વિકલ્પ અંગે વિસ્તૃત ચર્ચા થઈ
- બળેલી શેરડીનું પ્રમાણ સંસ્થા માટે ચિંતાજનક
બારડોલી, તા. 19 ઓકટોબર 2018, શુક્રવાર
શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બાબેન બારડોલીની ૬૩ મી વાર્ષિક સાધારણ સભામાં તમામ કામો સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતા. શુગર ફેક્ટરીમાં ખાંડ ઉત્પાદનની સાથે બાય પ્રોડક્ટ પ્લાન્ટ નાંખવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ત્રણ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરી જેમાં ખેડૂતોને લાંબા સમય સુધી ફાયદો થતો રહે તે પ્લાન્ટ નાંખવાનો નિર્ણય લેવાયો હતો.
બારડોલી નજીક કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે બારડોલી શુગર ફેક્ટરીની ૬૩ મી વાર્ષિક સાધારણ સભામાં ઉપપ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષપદે મળી હતી. પ્રમુખ રમણલાલ પટેલ હાલ વિદેશ પ્રવાસે હોય સભા સંચાલન કરતા ભાવેશ પટેલે જણાવ્યું કે વર્તમાન શેરડી પિલાણ સીઝનમાં દેશભરમાં ૩૫૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ખાંડ ઉદ્યોગ માટે કપરો સમય છે. વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા માટે ઘણો પડકાર અને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આપણી સંસ્થામાં બળેલી શેરડી પિલાણ માટે ૬૦ ટકાથી વધુ આવે છે જે ચિંતાજનક છે. હજુ પિલાણ કાર્ય શરૂ નથી થયું અને આજે ૩૩૫ એકર શેરડી બળી ગયાની નોંધ થઈ ગઈ છે. જે ખરેખર આપણા માટે સારી બાબત નથી.
સભાના કાર્યસુચિના તમામ કામો એમડી પંકજ પટેલે રજૂ કરતા ચર્ચા કરી સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં બાય પ્રોડક્ટ પ્લાન્ટ નાંખવા અંગે ચર્ચા થઈ હતી. આપણી સંસ્થા માત્ર ખાંડ ઉત્પાદન કરી શેરડીના ભાવ ચૂકવે છે.
ખાંડનું ઉત્પાદન વધુ થતા ભાવો નીચા જાય છે. જેથી બાયપ્રોડક્ટ પ્લાન્ટ અંગે વિચારણા કરવી જોઈએ. પંકજ પટેલે ત્રણ પ્લાન્ટ અંગે વિગત આપતા જણાવ્યું કે, કો-જનરેશન પાવર પ્રોજેક્ટની મદદથી શુગર ફેક્ટરી પ૦ કે.વી. વીજળીનું ઉત્પાદન કરી સરકારને વેચાણ કરી શકશે. જેનાથી સભાસદ ખેડૂતોને ટન દીઠ અંદાજીત રૂ. ૨૦૦ થી ૨૫૦ નો ફાયદો થઈ શકે છે.
ઈથેનોલ ડીસ્ટીલરી ૬૦ કેએલપીટીનો પ્લાન્ટ નાંખીએ તો ખેડૂતોને ટનદીઠ રૂ. ૧૦૦ થી ૧૫૦ નો ફાયદો થાય તેમ છે. જ્યારે બાયો સીએનજી પ્લાન્ટથી ખેડૂત સબાસદોને ટનદીઢ રૂ. ૭૭ થી ૮૦ નો ફાયદો થઈ શકે છે. સભાસદોએ ત્રણેય પ્લાન્ટમાં ખેડૂતોને લાંબાગાળે સરકારના નીતિ નિયમોમાં ફેરફાર થવા છતાં ફાયદો થઈ શકે તેવા પ્લાન્ટ નાંખવા સુચનો કર્યા હતા. ગત વર્ષે એકરદીઠ શેરડીનું વધુ ઉત્પાદન કરનારા ખેડૂત સભાસદોને શીલ્ડ આપી સન્માનિત કર્યા હતા.
વર્ષો બાદ ભીખાભાઈ પટેલ સભામાં હાજર રહ્યા
વર્ષો બાદ સહકારી આગેવાન ભીખાભાઈ ઝ. પટેલ આજે શુગરની સભામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો અગાઉ બારડોલી શુગર ફેક્ટરીના પ્રમુખ પદે રમણલાલ પટેલ અને મઢી શુગર ફેક્ટરીમાં પ્રમુખ પદે સ્વ. ડાહ્યાભાઈ પટેલ હતા. તે સમયે ભીખાભાઈ પટેલ મઢી શુગરના ડિરેક્ટર પદે હતા. ત્યારે રમણલાલે મઢી શુગર ફેક્ટરીને આર્થિક મદદ કરી રૂ. ૨૦ કરોડ આપ્યા હતા. આ મદદથી વિવાદ થતા ત્યારબાદની બારડોલી શુગર ફેક્ટરીની ચૂંટણીમાં રમણલાલ પટેલની પેનલ હારી જતા સત્તા ગુમાવી હતી.
તે સમયે બારડોલી શુગરની તમામ સામાન્ય સભામાં મઢી શુગરને આપેલા નાણાં પરત લેવા અંગે ચર્ચા ઉગ્ર બનતી હતી. ત્યારથી વાર્ષિક સભામાં સતત ગેરહાજર રહેલા ભીખાભાઈ પટેલ આજે ૬૩ મી સભામાં રમણલાલની ગેરહાજરીમાં સભામંચ પર આવતા સભાસદો માટે ભોજન સાથે ચર્ચાએ સ્થાન લીધું હતું.