mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

963 કરોડ બજેટ ધરાવતી સમિતિની નવી 35 જેટલી શાળાઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર

Updated: Feb 13th, 2024

963 કરોડ બજેટ ધરાવતી સમિતિની નવી 35 જેટલી શાળાઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ: બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર 1 - image


નવા વિસ્તાર એવા ઉમરા, ભરથાણા, વેલંજા, બંગર, અબ્રામા, લસકાણા, ભાદા સહિતની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓરડાની સંખ્યા ઓછી હોવાથી અન્ય જગ્યાએ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

પાલિકામાં સમાવિષ્ટ નવી સ્કુલો માટે ઝડપી કામગીરી જરુરી

સુરત, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 963 કરોડનું બજેટ જાહેર કરવામા આવ્યું છે. પરંતુ આટલું અધધ બજેટ ધરાવતી શિક્ષણ સમિતિની જુની શાળાઓમાં બેન્ચીસ ઘટ ની ફરિયાદ છે. તો બીજી તરફ પાલિકાના હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ થયેલી 34 જેટલી શાળાઓ હજી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આ શાળાઓમાં  વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓરડાની સંખ્યા ઓછી છે તેથી અનેક બાળકો ખુલ્લામાં કે લેબમા અભ્યાસ કરવા માટે મજબુર બની ગયા છે. શિક્ષણ સમિતિને 963 કરોડનું બજેટ તો ફાળવી દીધું છે પરંતુ નવા વિસ્તારની સ્કૂલમાં બજેટ નો ઉપયોગ વહેલા થાય તેવી માગણી થઈ રહી છે.

સુરત પાલિકા કમિશનરે શિક્ષણ સમિતિ માટે જે બજેટ રજૂ કર્યું હતું તેમાં સ્થાયી સમિતિએ 43 કરોડનો વધારો કરીને 963 કરોડનું બજેટ મંજૂર કરી દીધું છે. શિક્ષણ  સમિતિમાં પહેલી વખત આટલું મોટું બજેટ ફાળવવામાં આવ્યા છે. પરંતુ તેનો ઉપયોગ પાલિકામાં સમાવિષ્ટ નવી 34 શાળામાં ત્વરિત કરવામાં આવે તેવી માગણી થઈ રહી છે. 

સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ પાલિકામાં 34 જેટલી સ્કૂલ નો સમાવેશ કરવામા આવ્યો છે. જેમાંથી  ઉમરા, ભરથાણા, વેલંજા, બંગર, અબ્રામા, લસકાણા, ભાદા સહિત અનેક શાળાની હાલત કફોડી છે. આ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે અને તેની સામે વર્ગખંડની સંખ્યા ઓછી છે. જેના પરિણામે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે.  જેના કારણે ઘણી વખત આ વિદ્યાર્થીઓને સ્કુલના મેદાનમાં અભ્યાસ કરવા માટે બેસાડવું પડે છે અથવા તો એક વર્ગખંડમાં બે  ક્લાસના વિદ્યાર્થીઓને બેસાડવા પડે છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબમાં  અથવા તો શાળાના આચાર્યના રુમમાં અથવા તો સ્કૂલની લોબીમાં બેસાડીને વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. હવે શિક્ષણ સમિતિ માટે 963 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાંથી આવી સ્કુલોને શોધીને તેમાં વર્ગખંડ વધારવા સાથે શિક્ષકોની ઘટ પૂરી કરવા  સાથે પ્રાથમિક સુવિધા તાત્કાલિક ઉભી કરવા માટે માગણી થઈ રહી છે.

Gujarat