સુરત શહેરના માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં લોકોને ઘરે અનાજ મળે તેવી વ્યવસ્થા
- કન્ટેન્ટમેન્ટમાં ચુસ્ત અમલ માટેની તૈયારી
શરદી ખાંસીના વધુ કેસ મળે તેવા વિસ્તારમાં કોમ્બીગ કરાશેઃ પુરવઠા અધિકારી ક્લસ્ટર વિસ્તારના લોકોની યાદી આપશે ત્યાં અનાજ પહોંચાડાશે
સુરત, તા. 23 જુલાઈ 2020 ગુરૂવાર
સુરતમાં કોરોનાના વિસ્ફોટ બાદ સંક્રમણ અટકાવવા માટે ક્લસ્ટર નાના કરીને ક્લસ્ટરમાં અવર જવર પર નિયંત્રણ લાદી દેવામા આવ્યું છે. ક્લસ્ટર વિસ્તારમાં લોકોને અનાજ-પાણીની સમસ્યા નહી આવે તે માટે તંત્રએ લોકોને ઘરે ઘરે અનાજની કીટ મળે તે માટેની કામગીરી શરૂ કરી દીધી છે.
ક્લસ્ટર વિસ્તારના આયોજન માટે મ્યુનિ. તંત્રએ બે અધિકારીની પણ નિમણુંક કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી પાસે ક્લસ્ટર વિસ્તારમાં રહેતાં લોકોની માહિતી મેળવીને ઘરે ઘરે અનાજ પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરાશે.
સુરતમાં કોરોના સંક્રમણ વધતાં રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓને સુરતની કામગીરી માટે મુક્યા છે આ અધિકારીઓએ ક્લસ્ટરના નાના કરીને તેમાં અવર જવર પર પ્રતિબંધ મુકવાની સુચના આપી છે.
આ સુચના પ્રમાણે કન્ટેન્ટમેન્ટ વિસ્તારને નાના કરી દીધા છે અને એન્ટ્રી અને એક્ઝીટ એક જ હોય તેવું આયોજન કર્યું છે. સંક્રમણ અટકાવવા માટે અવર જવર પર પ્રતિબંધ મુકવા સાથે ક્લસ્ટર વિસ્તારના લોકોને ખાવાપીવાની મુશ્કેલી પડી શકે છે. પરંતુ આ માટે સુરત મ્યુનિ. તંત્રએ આગોતરૂ આયોજન કરીને જિલ્લા પુરવઠા અધિકારી પાસે વિસ્તારમાં રહેતાં લોકોની માહિતી મેળવી લીધી છે.
સંક્રમણ વધુ હોય તેવા વિસ્તારને માઈક્રો ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી લોકો બહાર ન નિકળે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. લોકો ઘરની બહાર ન નિકળે પરંતુ તેઓને ઘર બેઠા અનાજની કીટ મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.
સુરત મ્યુનિ.માં માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામા આવ્યા છે. તે વિસ્તારમાં નિયમોનો કડકાઈથી અમલ કરવા માટે મ્યુનિ.ના અધિકારીઓની પણ નિમણુંક કરી દેવામાં આવી છે.
બેરીકેટીંગ કરવામા આવ્યું છે તે વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે પણ થઈ રહ્યો છે. હાલ જ્યાંથી ખાંસી- શરદી અને તાવના કેસ વધુ મળી રહ્યાં છે તે વિસ્તારમાં કોમ્બીંગ કરીને દર્દીઓને શોધીને તેઓને તાત્કાલિક સારવાર આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે.
આમ ક્લસ્ટર વિસ્તારમાં જ્યાં કોવિડના લક્ષણ ધરાવતાં દર્દીઓ મળે તેમને વહેલા ઓળખીને સારવાર આપવા સાથે પરીક્ષણ પણ કરવામા આવશે. આવા પ્રકારની કામગીરીથી સંક્રમણ અટકી શકે છે તેવું મ્યુનિ. તંત્રનુ અનુમાન છે.