સુરત: અમેરિકન ડોલરની લાલચ આપી રોકડ પડાવતી આંતરરાજય ગડ્ડી ગેંગ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ
અલથાણના યુવાન પાસેથી રૂા. 4.50 લાખ પડાવનાર ગેંગે માન દરવાજાના એલઆઇસી એજન્ટ પાસેથી રૂા.3.30 લાખ પડાવી પેપરની ગડ્ડી પધરાવી હતી
સુરત, તા. 31 જુલાઈ 2020 શુક્રવાર
અલથાણના યુવાનને અમેરિકન ડોલર આપવાની લાલચ આપી રૂા. 4.50 લાખ પડાવી લેનાર આંતરરાજય ગડ્ડી ગેંગે માનદરવાજાના એલઆઇસી એજન્ટને પણ ડોલર આપવાનું કહી રૂા.3.30 લાખ પડાવી લીધા હોવાથી ગેંગ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં નોંધાય છે.
અલથાણ વિસ્તારમાં રહેતા મનિષ કમલેશ પાંડેને નવી સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે મની એક્સચેન્જ ઓફિસ કયાં આવી છે તે અંગેની પૃચ્છા કરી વાતચીતમાં વિશ્વાસ કેળવી 20 યુ.એસ ડોલરની 1664 નોટ આપવાની લાલચ આપી નાનપુરા જીંગા સર્કલ પાસે બોલાવી રૂા. 4.50 લાખ પડાવી લેનાર આંતરરાજય ગડ્ડી ગેંગના આરીફખાન રોહીમ અંસારી (ઉ.વ. 30 મૂળ રહે. આરટ ગામ, તા. મનકછાર, જિ. ધુબરી, અસમ) સહિત ત્રણ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાય છે.
માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા એલઆઇસી એજન્ટ રાહુલ પ્રકાશ રાણા (ઉ.વ. 22) મહિના અગાઉ સરથાણા ખાતે ગયો હતો ત્યારે રડતા-રડતા એક યુવાન આવ્યો હતો અને પોતાનું નામ નરેશ છે અને 20 અમેરિકન ડોલરની એક નોટ બતાવી આ નોટ મને મળી છે અને બાકીની નોટ રાંદેરમાં મારા મિત્ર પાસે છે એમ કહી તમને આપી દઇશ તેવી વાત કરી હતી.
વાતચીતમાં રાહુલને રાંદેર મળવા બોલાવ્યો હતો જયાં રૂા. 4 લાખમાં 20 અમેરિકલ ડોલરની 1664 નોટ આપવા માટે રૂા. 4 લાખની માંગણી કરી હતી. પરંતુ રાહુલે રૂા. 3.30 લાખ આપવાનું કહી તેઓ પુનઃ રાંદેર શાકમાર્કેટ પાસે મળ્યા હતા. જયાં ઉપર એક અમેરિકન ડોલરની નોટ અને નીચે પેપરની ગડ્ડી મુકી ગાંઠ બાંધેલા રૂમાલમાં ગડ્ડી પધરાવી દીધી હતી. અઠવાલાઇન્સ પોલીસે ઝડપી પાડેલી ગડ્ડી ગેંગના ભેજાબાજોનો રાંદેર પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરી છે.