સુરત: મુસાફરોને લઈ દોડતી 10 સીટી બસ પર હવે એમ્બ્યુલન્સની સાઈરન મુકાશે
- કોરોનામાં દર્દીને લઈ જવા માટે એબ્યુલન્સની અછત
સીટી બસને એમ્બ્યુલન્સમાં ફેરવી ફાયર બ્રિગેડને સોંપાશેઃ હાલ 82 હજાર માસિક ભાડે 10 એમ્યુબ્લન્સ કોન્ટ્રાક્ટર ચાલે છે
સુરત, તા. 31 જુલાઈ 2020 શુક્રવાર
સુરત મહાનગરપાલિકાના રસ્તા પર મુસાફરોને લઈને દોડતી સીટી બસ પર હવે એમ્બ્યુલન્સની સાઈરન મુકાવવા જઈ રહી છે. મ્યુનિ.મા એમ્બ્યુલન્સની અછત થતાં મ્યુનિ. તંત્રએ 10 સીટી બસને એમ્યુલન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં સીટી બસને એમ્બ્યુલન્સ બનાવવા માટેનો આખરી ઓપની કામગીરી ચાલી રહી છે. આ એમબ્યુલન્સને ફાયર વિભાગને સોંપવામાં આવશે ત્યાર બાદ તેમાં કોવિડના દર્દીઓને લાવવા માટેની કામગીરી કરાશે.
સુરતની વસ્તીને આધારે પહેલાંથી મ્યુનિ.ની એમ્બ્યુલન્સની અછત હતી. તેમાં કોરોનાએ એમ્બ્યુલન્સની અછતને વધારી દીધી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા પાસે પોતાની 11 એમ્બ્યુલન્સ છે તેમાં દર્દીઓને ઘરેથી હોસ્પીટલ લઈ જવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોનાની સ્થિતના કારણે એમ્બ્યુલન્સની અછત થતાં મ્યુનિ. તંત્રએ 10 એમ્બ્યુલન્સ ભાડે રાખી છે જેનું માસિક ભાડું 82 હજાર રૂપિયા ચુકવવું પડે છે.
કોરોનાની કામગીરીના કારણે સુરત મ્યુનિ.ની આર્થિક હાલત આમ જ ખરાબ થઈ રહી છે ત્યારે આવા ખર્ચ અટકાવવા માટે મ્યુનિ. તંત્રએ સીટી બસને એમ્બ્યુલન્સમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. મ્યુનિ.ના વર્કશોપમાં દસ સીટીબસમાંથી મુસાફરોની સીટ કાઢીને દર્દીઓને લઈ જવા માટે બેડ ઉભા કરીને એમ્બ્યુલન્સ બનાવી દેવામાં આવી છે.
આગામી દિવસોમાં આ એમ્બ્યુલન્સ ફાયર વિભાગને સોંપવામાં આવશે અને તેમાં કોવિડના દર્દીઓને ઘરેથી હોસ્પીટલ લઈ જવામા આવશે.
આ એમ્બ્યુલન્સનો ઉપયોગ શરૂ કરાતાં મ્યુનિ. ભાડા પર જે એમ્બ્યુલન્સ રાખે છે તેનો ખર્ચ ઘટશે.મ્યુનિ.એ એમ્બ્યુલન્સ બનાવી તેનો દેખાવ હજી પણ સીટી બસ જેવો જ છે પરંતુ તેના પર એમ્બ્યુલન્સ ની સાઈરન લગાવી દેવામા આવી છે.
એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવા માટેના બેડ સાથે સ્ટ્રેચર અને વોશબેઝીનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે જેની સાથે 20 લીટર પાણીનું કેન્ટેનર પણ ઉભી કરી દેવામા આવ્યું છે.
આ ઉપરાંત લોકોને સુચના આપવા માટે એનાઉન્સ સિસ્ટમ ઉભુ કરવા માટેની કામગીરી પણ થઈ રહી છે. હાલમાં સીટી બસને એમ્બ્યુલન્સનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આગામી એકાદ બે દિવસમાં આ એમ્બ્યુલન્સ ફાયર વિભાગને સુપ્રત કરી દેવામાં આવશે.