અલુણા અને ગૌરી વ્રતનો તહેવાર સુરતની સ્કૂલમાં મેન્ટલી ચેલેન્જ બાળકીઓ માટે બન્યો વધુ સ્પેશ્યલ
- સુરતની એક મનો દિવ્યાંગ સ્કુલની બાળકીઓને એક આર્ટિસ્ટે મેકઅપ હેર સ્ટાઈલ કરી વ્રતની ઉજવણી કરાવી
- પાલિકાની સ્કૂલમાં ગૌરી વ્રત અંતર્ગત અનેક સ્પર્ધા થઈ રહી છે ત્યારે શહેરની મનો દિવ્યાંગ સ્કુલની વિદ્યાર્થીઓને પણ હેર સ્ટાઈલ, મેકઅપ કરીને ઉજવણી કરવામાં આવી
સુરત,તા.6 જુલાઈ 2023,ગુરુવાર
સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ અલુણા અને ગૌરી વ્રત ચાલી રહ્યાં છે તેમાં સુરત પાલિકાની અનેક સ્કૂલમાં આ ઉત્સવને અનુરૂપ સ્પર્ધા થઈ રહી છે. ત્યારે સુરતમાં મેન્ટલી ચેલેન્જ બાળકોને અભ્યાસ કરાવી તેમને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો પ્રયાસ કરતી મનો દિવ્યાંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓના ચહેરા પર ખુશી લાવવાનું કામ કેટલાક સમાજ સેવકો કરી રહ્યાં છે. શહેરની એક મનો દિવ્યાંગ સ્કુલની બાળકીઓને એક આર્ટિસ્ટે મેકઅપ હેર સ્ટાઈલ કરી વ્રતની ઉજવણી કરાવી નવો અભિગમ અપનાવ્યો છે.
સુરતમાં મેન્ટલી ચેલેન્જ (સ્પેશિયલ) બાળકો માટે પહેલા કોઈ સુવિધા ન હતા પરંતુ હાલમાં અનેક સ્કૂલ ચાલી રહી છે. આ સ્કૂલમાં મનો દિવ્યાંગ બાળકોને પગભર કરવા સાથે આવા બાળકો સમાજની મુખ્ય ધારામાં જોડાઈ શકે તે માટેના પ્રયાસ કરવામા આવે છે. આવી સ્કૂલમાં તહેવારોની ઉજવણી કરવામા આવે છે તે અંતર્ગત આ વર્ષે સલાબતપુરા ખાતે આવેલી મહાદેવ ટ્રસ્ટની સ્કૂલમાં ગૌરી-અલુણા વ્રતની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.
ગૌરી અલુણા વ્રતમાં નોર્મલ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધા, કેશ ગુફન સ્પર્ધા સહિત અનેક સ્પર્ધા રાખવામાં આવે છે ત્યારે મનો દિવ્યાંગ સ્કુલની વિદ્યાર્થીઓ કેમ બાકાત રહી જાય ? આ બાળકીઓને તથા તેમના વાલીઓને પણ તહેવારમાં આકર્ષક રીતે તૈયાર થવાની ઝંખના હોય છે . આવા પ્રકારના વિચાર એક મેક અપ આર્ટિસ્ટને આવ્યો અને તે તેમની ટીમ લઈને મનો દિવ્યાંગ બાળકીઓને સ્કુલે પહોંચી ગયાં .
મહાદેવ ટ્રસ્ટની સ્કુલના કુસુમ દેસાઈ કહે છે, એક પાર્લર ચલાવતા વંદના લીમ્બાચીયાએ અમારી સમક્ષ આ વિચાર મૂક્યો તો અમે ખુશ થઈ ગયાં હતા. વંદના લિંબાચીયા અને તેમની ટીમના સભ્યો અમારી શાળામાં આવ્યા અને સ્પેશિયલ બાળકીઓને મેકઅપ, મહેંદી, સાથે વિવિધ પ્રકારની હેર સ્ટાઈલ કરીને અમારી બાળકીઓના ચહેરા પર અનોખી ખુશી લાવી અમારી સ્પેશિયલ બાળકીઓ માટે આ દિવસને વધુ સ્પેશિયલ બનાવી દીધો હતો. આમ અન્ય નોર્મલ સ્કુલ સાથે સાથે હવે મનો દિવ્યાંગ સ્કૂલમાં પણ આવા તહેવારની ઉજવણી થતા બાળકીઓના ચહેરા પર અનોખું સ્માઈલ જોવા મળી રહ્યું છે.