સુરત પાલિકાના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાનને પીપીપીના ધોરણે આપવા સામે અનેક લોકોનો આક્રમક વિરોધ
- પીપીપીના કોન્ટ્રાક્ટ કર્યા બાદ આડેધડ ભાવ વધારાની લોકોને દહેશત
- અડાજણ-પાલ વિસ્તારના 500 જેટલા નાગરિકોએ મેયર-મ્યુનિસિપલ કમિશનરને પીપીપીના નિર્ણય પર પુનઃવિચાર કરવા અંગે રજૂઆત થઈ રહી છે
સુરત,તા.07 માર્ચ 2023,મંગળવાર
સુરત પાલિકાએ બનાવેલા ગાર્ડન મેઈન્ટેનન્સ ફ્રી બનાવવા માટે પાલિકાએ પીપીપી મોડલ અપનાવ્યું છે. જોકે, પાલિકાના પીપીપી મોડલમાં કેટલાક ગાર્ડનમાં પ્રવેશ ફી સાથે પાર્કિંગ ફી પણ વસુલાતી હોય અડાજણના ગાર્ડનને પીપીપી મોડલ થી આપવા માટે લોકો આક્રમક વિરોધ કરી રહ્યાં છે. પીપીપીના કોન્ટ્રાક્ટ કર્યા બાદ આડેધડ ભાવ વધારાની લોકોને દહેશત હોવાથી અડાજણના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાનને પીપીપીના ધોરણે આપવા સામે અનેક લોકોનો આક્રમક વિરોધ કરવામા આવી રહ્યો છે. અડાજણ-પાલ વિસ્તારના 500 જેટલા નાગરિકોએ મેયર-મ્યુનિસિપલ કમિશનરને પીપીપીના નિર્ણય પર પુનઃવિચાર કરવા અંગે રજૂઆત કરવામા આવી છે.
સુરત પાલિકાએ હાલમાં 20 હજાર ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા ગાર્ડનને પીપીપી મોડલ પર આપવા માટેનો નિર્ણય કર્યો છે. આ મોડલ હેઠળ અડાજણ વિસ્તારમાં સૌથી વધુ લોકો ઉપયોગ કરે છે તેવા જ્યોતીન્દ્ર દવે ગાર્ડન પણ ટોરેન્ટ કંપનીને આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલિકાના આ નિર્ણય સાથે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામા આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અડાજણ-પાલ વિસ્તારના 500થી વધુ લોકોએ પાંચ આવેદનપત્ર આપીને આ ગાર્ડન પીપીપી મોડલમાં નહી આપવા માટે રજુઆત કરી છે.
આવેદનપત્રમાં લોકોએ ભાજપ શાસકોના પીપીપી મોડલ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જોગાણીનગર ખાતેના જયોતીન્દ્ર દવે ઉન બન્યાને પણ 20 વર્ષ ઉપરાંતનો સમય થયો છે. આબાલ-વૃદ્ધ સૌ ઉદ્યાનનો લાભ લઈ તન-મનથી સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે. જેને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ક્ષેત્રે પણ પ્રત્યક્ષ ભારણ ઓછું થયું છે. હાલમાં સુરત મહાનગરપાલિકામાં પણ શાસક ભારતીય જનતા પક્ષ આ દિશામાં જઈને જોગાણીનગર જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ટોરેન્ટ પાવર કંપની પીપીપી ધોરણે આપવાનો નિર્ણય કર્યો છે વાત જાણીને આઘાત લાગ્યો છે.
આવેદન પત્રમાં સ્થાનિકોએ મોરબી દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે ટોરેન્ટ કંપની ઈલેક્ટ્રીક પાવર સપ્લાય કરનારી કંપની છે તે ગાર્ડનનું સંચાલન કેવી રીતે કરી શકે ? મોરબીમાં પણ આવી જ રીતે કોન્ટ્રાક્ટ અપાયો હતો અને અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં અડાજણ, પાલ અને પાલનપોર વિસ્તારના નાગરિકો દ્વારા આ ઉદ્યાનને પીપીપીના ધોરણે આપવાનો નિર્ણયને તાત્કાલિક રદ્દ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી રહી છે. જો પાલિકા તંત્ર નિર્ણય નહી બદલે તો લોકો લડી લેવાના મુડમાં છે.