સુરતના પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પશુઓ સાથે પક્ષીઓના પિંજરામાં આકરી ગરમી શરૂ થતાં ફુવારા મુકાયા
- હોળી બાદ જ આકરી ગરમી શરુ થતાં લોકો સાથે પ્રાણીઓની હાલત પણ કફોડી
- દીપડા, વાઘ, સિંહ અને રીંછ જેવા માસાહારી પ્રાણીઓ સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મુકાયા : ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે : આકરી ગરમી છતાં પ્રાણી ખોરાકમાં છતાં પ્રાણીઓનો ખોરાક ઘટાડો નથી થયો
સુરત,તા.27 માર્ચ 2024,બુધવાર
સુરતમાં હોળીનો તહેવાર પુરો થયા બાદ અચાનક ગરમી શરુ થઈ ગઈ છે અને ગરમી માટે એલર્ટ પણ જાહેર કરી દેવામા આવ્યું છે. માર્ચ મહિનો પુરો થાય તે પહેલાં જ મે મહિના જેવી આકરી ગરમી શરુ થઈ ગઈ છે. આકાશમાંથી આગ જેવી આકરી ગરમી શરુ થતાં લોકો સાથે પ્રાણીઓની હાલત પણ કફોડી થઈ રહી છે. લોકો તો ગરમીથી બચવા માટે વિવિધ પ્રયોગ કરે છે તેની સાથે સુરત પાલિકાએ નેચર પાર્કના પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરી છે. પાલિકાના નેચર પાર્કમાં માસાહારી પશુઓ સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મુકવામાં આવ્યા છે. દિવસ દરમિયાન ચાલતા આ ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે.
આ વર્ષે માર્ચ મહિનામાં આવેલી હોળીનો તહેવાર પુરો થતાની સાથે જ સુરતમાં આકાશમાંથી આગ ઝરતી ગરમી સતત વધી રહી છે અને હવામાન વિભાગે આપેલા એલર્ટ બાદ વધુ ગરમી પડે તેવી શક્યતા છે. આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાણીઓ સાથે સાથે હવે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા શરૂ કરી દેવાયા છે. આકાશમાંથી આગ વરસતી ગરમી હોય તેવા બપોરે આકરા તાપ દરમિયાન ફુવારા ચાલતા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે.