સુરત ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારવા વાલક પાટીયાથી ભાજપ કાર્યાલય સુધી રેલી નિકળશે
- સુરતમાંથી કોરોના ગાયબ થઈ ગયો હોય તેવો રાજકીય માહોલ
શહેર જિલ્લામાં રોજ 250થી વધુ કેસ અને 15થી વધુ મોત સત્તાવાર નોંધાઈ રહ્યા છે, બિન સત્તાવાર આંકડો વધુ છે છતાં ભાજપને રેલીનો મોહ
સુરત, તા. 23 જુલાઈ 2020 ગુરૂવાર
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. તેવા સુરતમા ગઈકાલ સુધીમાં અગિયાર હજારથી વધુ કેસ અને 495 મૃત્યુ થઈ ગયાં છે અને સંક્રમણ વધી રહ્યું છે અને રોજેરોજ મોતના આંકડા પણ વધી રહ્યાં છે. આવા સંજોગોમાં સુરતમાં દશામા અને અન્ય તહેવારની ઉજવણી સામે પણ તંત્રએ રોક લગાવી દીધી છે.
સુરતમાં એક તરફ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખને આવકારવા માટે વિશાળ રેલી કાઢવા માટેની જાહેરાત કરી રહી હોવાથી વિવાદ ઉભો થયો છે. જોકે, આવતીકાલની રેલી માટે ગુરૂવારે બપોર સુધીમાં કોઈ પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી નથી.
સુરતને ત્રણ દાયકા બાદ પ્રદેશ ભાજપમાં સ્થાન મળ્યું તેનો ઉમળકો દક્ષિણ ગુજરાતમાં ભાજપના તમામ કાર્યકરોને હોય તે સ્વાભાવિક છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિયુક્તિથી તેમના સ્વાગત સાથે શક્તિપ્રદર્શનનો પણ મોકો છે પરંતુ સુરતમાં છેલ્લા 22 દિવસમાં સાડા પાંચ હજારથી વધુ કેસ અને 290થી વધુ મોત થઈ ચુક્યા છે અને લોકોને કોઈ પ્રકારે ભેગા થવાની મંજુરી નથી. આવા સંજોગોમાં ભાજપની વિશાળ રેલી લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
ગઈકાલે ભાજપે એરપોર્ટથી ભાજપ કાર્યલાય સુધીની કાર રેલીની જાહેરાત કરી હતી. પરંતુ રૂટ બદલાતા આજે એરપોર્ટને બદલે વાલક પાટીયા, કામરેજથી, સરથાણા જકાતનાકા, સીમાડા નાકા, મીની બજાર, કતારગામ દરવાજા, મુગલીસરાઈ, ચોક મજુરાગેટ અને ઉધના દરવાના રૂટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ રેલી માટે ભાજપે તંત્ર પાસે પરવાનગી માગી છે પરંતુ હજી સુધી પરવાનગી મળી નથી. લોકોને પરવાનગી પોલીસ તંત્ર આપતું નથી ત્યારે ભાજપે પરવાનગી માગી છે તેને મળશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતમાં લોકો કોરોનાના કારણે ટપોટપ મરી રહ્યાં છે ત્યારે શહેર ભાજપ મોટી રેલી માટે આયોજન કરે તેના કારણે વિવાદ ઉભો થયો છે. હાલમા આ રેલી અંગે ભાજપના કેટલાક નેતાઓએ ટ્વીટ કર્યું છે અને સોશ્યલ મિડિયા પર જાહેરાત કરી છે તેમાં લોકોનો ટીકાનો વરસાદ થઈ રહ્યો છે.
ભાજપના કાર્યકરો રેલીને આવકારી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકોએ જગન્નાથ રથયાત્રાને સંક્રમણના કારણે પરવાનગી મળતી ન હોય તો ભાજપે કેવી રીતે પરવાનગી મળે તે પ્રશ્ન ઉઠાવ્યો છે.
કેટલાક લોકોએ કમેન્ટ કરી છે કે કોરોનાની હાલતના કારણે આવા કાર્યક્રમ કરવા કરવાના બદલે બે બેડ વધે તેવી કામગીરી કરવી જોઈએ તેમ કહ્યું છે. સોશ્યલ મિડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખની રેલી બે ભાગમાં વહેંચાઈ ચુકી છે ત્યારે પોલીસ આ રેલીની પરવાનગી આપશે કે નહીં તે અંગે અનેક અટકળ થઈ રહી છે.