Get The App

સુરત: વેસુમા પ્લાયવુડના વેપારીના ફ્લેટમાં ભીષણ આગથી નાસભાગ

- લગ્નમાંથી પટેલ પરિવારજનો પરત આવ્યા ત્યારે ફ્લેટમાં ધુમાડો નીકળતો હતો

Updated: Nov 21st, 2021

GS TEAM


Google News
Google News
સુરત: વેસુમા પ્લાયવુડના વેપારીના ફ્લેટમાં ભીષણ આગથી નાસભાગ 1 - image


સુરત, તા. 21 નવેમ્બર 2021 રવિવાર

વેસુમા શનિવારે રાત્રે પ્લાયવુડના વેપારીના ફ્લેટમાં ઈલેક્ટ્રીક સર્કિટ થતા ભીષણ આગ ફાટી નીકળતા ત્યાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ વેસુ ખાતે આવેલી એલ.પી.સવાણી સ્કુલ નજીક એવન્યુ 77 એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્લાયવુડના વેપારી રાજેશભાઈ પટેલ શનિવારે રાત્રે અંકલેશ્વર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરિવારના સભ્યો સાથે ઘરે આવ્યા હતા અને દરવાજો ખોલતા ફ્લેટમાંથી ધુમાડો નીકળતો જોઈને ચોંકી ઊઠયા હતા. 

બાદમાં તેમણે બેડરૂમમાં જઈને જોયું તો આગ ફાટી નીકળી હતી. જેને લીધે તેના પરિવારના સભ્યો બહાર દોડી ગયા હતા અને આજુબાજુના લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી. જોતજોતામાં આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. 

આ અંગે ફાયર ઓફિસર પ્રકાશભાઈ પટેલને જાણ થતા ફાયર કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં વેસુ તથા મજુરા ગેટ અને અડાજણ ફાયર સ્ટેશનની ગાડી પહોંચી ગઈ હતી. જો કે વધુ ધુમાડો નીકળતો હોવાથી ત્રણથી ચાર ફાયરજવાનો ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવા ગયા હતા.

જ્યારે બીજી તરફ સલામતી ખાતર તે બિલ્ડિંગના રહેવાસીઓ ફ્લેટમાંથી બહાર જવા માટે ફાયર ઓફિસરે કહ્યું હતું. જો કે ફાયર જવાનોએ અઢીથી ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ કાબૂમાં આવી હતી. જેને લીધે ત્યાંના લોકોએ ભારે હાશકારો અનુભવ્યો હતો. આગને લીધે તેમના રૂમમાં એ.સી, ટીવી, પંખા, ફર્નિચર, કપડા, ગાદલા, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓમાં ભારે નુકસાન થયું હતું. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :