સુરત: ભેજાબાજને માર મારી કારમાં અપહરણ કરનાર 2 દુકાનદાર સહિત 7 રંગેહાથ ઝડપાયા
- ભેજાબાજે ઓએલએક્સ પર ઠગાઇથી મેળવેલા મોબાઇલ દુકાનદારને વેચ્યા
- પોલીસે દુકાનદાર પાસેથી મોબાઇલ રીકવર કર્યા, નુકશાન જતા અપહરણ કરી રૂ. 2 લાખની માંગણી કરી
સુરત, તા.2 ઓગસ્ટ 2020, રવિવાર
ઓએલએક્સ વેબસાઇટ પરથી વિશ્વાસઘાત થકી મેળવેલા 7 મોબાઇલ ફોન જે દુકાનદારોને વેચાણ કર્યા હતા તેમની પાસેથી પોલીસે ફોન રીકવર કરતા થયેલા નુકશાન બદલ ભેજાબાજનું કારમાં અપહરણ કરી રૂ. 2 લાખની માંગણી કરનાર બે દુકાનદાર સહતિ 7 ને પોલીસે રંગેહાથ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
કાપોદ્રાની સાગર સોસાયટીમાં રહેતા અમીત ભરત હરીપરા (ઉ.વ. 30) એ એક વર્ષ અગાઉ ઓએલએક્સ નામની વેબસાઇટ 7 મોબાઇલ ફોન વિશ્વાસઘાતથી મેળવ્યા હતા. આ ફોન અમીતે વરાછાના પોદ્દાર આર્કેડના અલગ-અલગ મોબાઇલ દુકાનદાર વેચ્યા હતા. પરંતુ પોલીસે અમીતની ઠગાઇના ગુનામાં ધરપકડ કરી જે દુકાનદારને ફોન વેચ્યા હતા તેમની પાસેથી ફોન રીકવર કર્યા હતા. આથી, આર્થિક નુકશાન થતા વરાછા પોદ્દાર આર્કેડમાં ક્રિષ્ણા મોબાઇલ નામે દુકાન ધરાવતા હૈદર સિદ્દીક પીંજારા (રહે. ચોકી ટેકરો, નાના વરાછા) અને અડાજણ પ્રાઇમ આર્કેડમાં મોબાઇલ શોપ નામે દુકાન ધરાવતો પ્રિન્સ કમલેશ કોટક (રહે. પ્રાઇમ આર્કેડ, આનંદ મહલ રોડ, અડાજણ) અમીતનું કાર નં. જીજે-16 સીએન-6510માં અપહરણ કરી સીમાડા નાકા તરફ લઇ ગયા હતા.
પરંતુ આ અંગેની જાણ પોલીસને થતા દોડતી થયેલી પોલીસે હૈદર અને પ્રિન્સ સહિત તેમના મિત્ર મહેંદી હસન સાદ્દીક જામકતી, સિરાજ માસુમઅલી, ઇમરાન અબ્બાસ, આશીષ ધામેલીયા અને રણજીત મનુભાઇ કિડેચાને રંગેહાથ ઝડપી પાડી અમીતને મુક્ત કરાવ્યો હતો.