Get The App

સુરતમાં ઝેરી મેલેરિયાની ઝપેટમાં આવ્યા એક જ પરિવારના બે બાળકો, 5 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત

Updated: Nov 29th, 2023

GS TEAM


Google News
Google News
સુરતમાં ઝેરી મેલેરિયાની ઝપેટમાં આવ્યા એક જ પરિવારના બે બાળકો, 5 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત 1 - image

image : Freepik

સુરત,તા.29 નવેમ્બર 2023,બુધવાર

સુરતમાં વરસાદી માવઠાંની સાથે સાથે રોગચાળાએ માથું ઊંચક્યું છે. તાવ-શરદી-ઊધરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ પરિવારના બે બાળકો ઝેરી મેલેરિયાની ઝપેટમાં આવ્યાં હતાં. જેમાં 5 વર્ષીય બાળકીનું એકાદ સપ્તાહની સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હાલ નાનો દીકરો પણ તાવની સારવાર લઈ રહ્યો હોવાનું પરિવારે જણાવ્યું છે.

 પરપ્રાંતિય વિશ્વકર્મા પરિવાર છેલ્લા એકાદ મહિનાથી સુરતમાં સ્થાયી થયું છે. બાળકીના પિતા હજીરાની કંપનીમાં બસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે વિશ્વકર્મા પરિવારની પાંચ વર્ષની દીકરી આન્યા અને દીકરા રિતિકને છેલ્લા એક સપ્તાહથી તાવ આવી રહ્યો હતો. જેથી રિપોર્ટ કરાવતાં ઝેરી મેલેરિયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં આજે 5 વર્ષની બાળકી આન્યાનું મોત નીપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

 બાળકીની માતા હેમા વિશ્વકર્માએ કહ્યું કે, અમે હીરાબાગ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં બાળકીની સારવાર કરાવી રહ્યાં હતાં. આન્યા બાદ રિતિકને પણ તાવ આવતાં બન્ને બાળકોની ત્યાં સારવાર ચાલી રહી હતી. હાલ રિતિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આજે આન્યાનું મોત નીપજતાં દીકરાની તબિયતને લઈને ડર સતાવી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેડન્ટ ડો. ગણેશ ગોવેકરે કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાંથી બન્ને બાળકોને 108 હોસ્પિટલ મારફતે લાવવામાં આવ્યાં હતાં. બાળકોના વિભાગમાં બન્ને બાળકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકોને ઝેરી મેલેરિયા હતો. સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો વકરતો હોવાથી લોકોએ હાલ સાવધ રહેવાની જરૂર હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Tags :