Get The App

દુનિયાના ઠંડા પ્રદેશમાંથી શિયાળામાં આવતા પક્ષીઓ 42 ડિગ્રી ગરમીમાં પણ સુરતની માણી રહ્યાં છે મહેમાનગતિ

Updated: Apr 29th, 2022

GS TEAM

Google News
Google News
દુનિયાના ઠંડા પ્રદેશમાંથી શિયાળામાં આવતા પક્ષીઓ 42 ડિગ્રી ગરમીમાં પણ સુરતની માણી રહ્યાં છે મહેમાનગતિ 1 - image


- સુરતમાં આકરી ગરમીથી સુરતી લાલાઓ અકળાઈને ઠંડક શોધે છે પણ બીજી તરફ

- માર્ચ માસની શરૂઆતમાં જ પોતાના વતન  જતા રહેતા પક્ષીઓને તાપી કિનારે સરળતાથી ખોરાક મળી રહેતો હોવાથી રીટર્ન માઇગ્રેશન ચેઇન ખોરવાઇ

સુરત,તા. 29 એપ્રિલ 2022, શુક્રવાર

સુરતમાં છેલ્લા કેટલાક  દિવસથી આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીથી સુરતી લાલાઓ અકળાયા છે અને ઠંડક શોધી રહ્યાં છે. આકરી ગરમી ના કારણે બપોરે સુરતના રસ્તાઓ સુમસામ છે અને લોક ડાઉન જેવો માહોલ છે. પરંતુ બીજી તરફ દુનિયાના ઠંડા પ્રદેશ માંથી શિયાળામાં સુરત આવતા વિદેશી પક્ષીઓ 42 ડિગ્રી જેટલી ગરમીમાં પણ સુરતની મહેમાનગતિ માણી રહ્યાં છે. સામાન્ય રીતે  માર્ચ માસની શરૂઆત થાય છે ત્યારે જ આ પક્ષીઓ તેમના વતન જતા રહે છે પરંતુ હાલમાં આકરી ગરમી હોવા છતાં અનેક પક્ષીઓ અહીં રહ્યાં છે તે અનેક લોકો માટે કોયડો બની ગયો છે. 

સુરતના તાપી કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારમાં શિયાળાની શરૂઆત સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન થઈ જાય છે. સુરતમાં આવતા આ વિદેશી પક્ષીઓ માર્ચ મહિનો શરૂ થાય એટલે સુરતમાંથી વિદાય પણ લઈ લેતા હોય છે. જોકે, આ વર્ષે એપ્રિલ માસ પુરો થવા આવ્યો હોવા છતાં સુરતના તાપી કિનારે કે બ્રિજ પર વિદેશી પર્ણો જોવા મળી રહ્યાં છે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી આગ ઝરતી ગરમી વરસી રહી છે અને આગામી બે દિવસ હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. આ આકરી ગરમી માં સુરતીઓ કામ વિના બહાર નીકળતા જોવા મળતા નથી. 40 થી 42 ડિગ્રી ગરમીમાં પણ શિયાળામાં સુરત આવતા વિદેશી પક્ષીઓ હજી પણ જોવા મળી રહ્યાં છે તે સુરતીઓને નવાઈ પમાડે રહી છે. પક્ષી અંગેની જાણકારી રાખનારાઓ કહે છે, સામાન્ય રીતે માર્ચ મહિનામાં આ વિદેશી પક્ષી જતા રહેતા હોય છે. પરંતુ સીગલ જેવા પક્ષીઓને સુરતના તાપી કિનારે તથા બ્રિજ પર સરળતાથી ખોરાક મળી રહે છે તેથી અનેક પક્ષીઓ પહેલાં કરતાં વધુ સમય સુરતમાં જોવા મળે છે.

પક્ષી અંગે જાણકાર એવા રજનીકાંત ચૌહાણ કહે છે, સુરતીઓ  તાપી નદીના બ્રિજ પર સવારે પહોંચીને આપણે દેશી કાગડા સાથે આ વિદેશી પક્ષીઓને  ગાંઠિયા, ખમણ જેવા ફરસાણ ખવડાવી પુણ્ય કમાવા ની વાત કરે છે પરંતુ તેઓ પાપ કરી રહ્યાં છે. આવા પ્રકારના ખોરાકના કારણે પક્ષીઓને  નુકસાન થાય છે ઉપરાંત તે કુદરતી ખોરાક ભુલી રહ્યા છે. આ પ્રકારનો ખોરાક સરળતાથી મળી રહ્યો હોવાથી પક્ષીઓનું રિટર્ન માઈગ્રેન મોડું થઈ રહ્યું છે. તાપી કિનારે આ પક્ષીઓ માટે હાલ જગ્યા ઉત્તમ છે તેથી હજી પણ થોડા દિવસ આ પક્ષી જોવા મળી શકે છે. 

Tags :