સુરત પાલિકાના ભેસ્તાન શોપીંગ સેન્ટરમાં ખાલી પડેલી 30 દુકાન પોલીસ મથક માટે ભાડે અપાશે
- પાલિકાના અઘણડ આયોજનના કારણે શોપીંગ સેન્ટરમાં અનેક દુકાનો ખાલી
- પાલિકાએ બનાવેલા શોપીંગ સેન્ટરમાં 96 પૈકી 59 દુકાનો ખાલી : 24 દુકાન ડિમોલીશનના અસરગ્રસ્તોને ફાળવવામાં આવી છે
સુરત,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ તથા શોપીંગ સેન્ટર સહિત અનેક પ્રોજેક્ટ આગોતરા આયોજન વિના બનાવી હોવાથી તેનો ઉપયોગ થતો નથી. પાલિકાએ ભેસ્તાન ખાતે બનાવેલા શોપીંગ સેન્ટરની આવી જ હાલત છે. પાલિકાએ ભેસ્તાન ખાતે શોપીંગ સેન્ટર બનાવી 96 દુકાન બનાવી છે જેમાંથી 24 દુકાન ડિમોલીશન અસરગ્રસ્તોને આપવામાં આવી છે અને હજી પણ 59 દુકાનો ખાલી છે કોઈ લેવા તૈયાર ન હોવાથી હવે આગામી દિવસોમાં ભેસ્તાન પોલીસ મથક બને ત્યાં સુધી આ શોપીંગ સેન્ટરની 30 દુકાન ભાડે આપવા માટેનો કવાયત થઈ રહી છે.
સુરત પાલિકાના ઉધના ઝોનમાં રેલવે ફાટક પાસે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરમાં પહેલા અને બીજા માળ મળી આ શોપિંગ સેન્ટર માં કુલ 96 દુકાન બનાવવામાં આવી છે. વર્ષો પહેલાં ઉધના ઝોનમાં ડિમોલિશનની કામગીરી થઈ હતી તેમાં અસરગ્રસ્ત થયેલા દુકાનદારોને 24 દુકાન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક દુકાનોમાં પાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલી રહ્યું છે. તેમ છતાં હજી પણ પહેલા અને બીજા માળે 48 દુકાનો હજી પણ ખાલી છે. આ ખાલી દુકાનોમાંથી પહેલા માળે 8 અને બીજા માળે 22 દુકાન મળી કુલ 30 દુકાન પોલીસ વિભાગને ભાડે આપવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ભેસ્તાન પોલીસ મથકનું બાંધકામ ન થાય ત્યાં સુધી જંત્રીના પાંચ ટકા લેખે વાર્ષિક ભાડે દુકાન આપવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે.