Get The App

દિવાળી દરમિયાન સુરતથી ગુજરાતના શહેરો માટે 2200 વધારાની બસ દોડાવાશે : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

Updated: Oct 27th, 2023

GS TEAM


Google News
Google News
દિવાળી દરમિયાન સુરતથી ગુજરાતના શહેરો માટે 2200 વધારાની બસ દોડાવાશે   : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી 1 - image


- દિવાળીની ખાસ બસ માટે વાહન વ્યવહાર મંત્રીની જાહેરાત

- 2 થી 11 નવેમ્બર સમય દરમિયાન એસટી વિભાગને 101 નવી બસ મળશે : ખાનગી બસ ઓપરેટરની લૂંટ ચલાવી નહીં લેવાય, વધુ પૈસા પડાવનાર સામે આકરા પગલાં ભરાશે : હર્ષ સંઘવી

સુરત,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

આગામી દિવાળી દરમિયાન સુરતને કર્મભુમી બનાવીને રહેતા ગુજરાતના અન્ય શહેરોના લોકોને વતન જવા માટે એસ.ટી વિભાગ દ્વારા 2200 જેટલી એક્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે તે અંગેની જાહેરાત આજે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીએ સુરત ખાતે કરી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, આગામી 2 થી 11 નવેમ્બર સમય દરમિયાન એસટી વિભાગને 101 નવી બસ મળશે તેથી લોકોને સુવિધા રહેશે. આ ઉપરાંત તેઓએ ખાનગી બસ ઓપરેટરને ચીમકી આપતા કહ્યું હતું કે, ખાનગી બસ ઓપરેટરની લૂંટ ચલાવી નહીં લેવાય, વધુ પૈસા પડાવનાર સામે આકરા પગલાં ભરાશે.

દિવાળી દરમિયાન સુરતથી ગુજરાતના શહેરો માટે 2200 વધારાની બસ દોડાવાશે   : વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી 2 - image

સુરતના સર્કિટ હાઉસ ખાતે આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદમાં ગુજરાત એસટી વિભાગની માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, એસટી નિગમના કર્મચારીઓ છેવાડાના નાગરિકોને પોતાના વતન પહોંચાડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. આગામી દિવાળીના તહેવારોમાં નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને કોઈને પણ કોઈપણ પ્રકારની હેરાનગતિ નો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રીના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.વધુમાં તેઓએ કહ્યું હતું કે, સુરત શહેર મીની સૌરાષ્ટ્ર તરીકે પણ ઓળખાય છે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર થી માંડીને ઉત્તર ગુજરાત અને દાહોદ-ગોધરા થી માંડીને સમગ્ર રાજ્યના ગામડાઓના નાગરિકો રોજી રોટી માટે સ્થાયી થયા છે. દિવાળીના તહેવારોમાં રાજ્ય સરકાર દ્વારા મહત્તમ સંખ્યામાં બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવાળીના તહેવારમાં એસટી વિભાગ દ્વારા 2200 થી વધુ બસો દોડાવવામાં આવશે. આગામી બીજી નવેમ્બરથી 10 મી નવેમ્બર સુધી સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી અલગ-અલગ તાલુકા અને જિલ્લાઓ માટે 101 નવી બસ આપવામાં આવશે અને તે પણ લોકોની સુવિધા માટે દોડશે.

ખાનગી બસ સંચાલકો દ્વારા દિવાળી દરમિયાન મુસાફરો પાસે વધુ પૈસા પડાવી લુંટ ચલાવવામાં આવી રહી છે તે પ્રશ્ન પર મંત્રીએ કહ્યું હતું કે, તમારી સેવા અને વેપાર સારો ચાલે તેમાં સરકારને કોઈ વાંધો નથી પરંતુ નાગરિકોની જરૂરિયાત ધ્યાને રાખીને ઉઘાડી લૂંટ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ આવી ફરિયાદ મળશે અને પ્રજાને કોઈ લૂંટતા પકડાશે તો તેમની સામે આકરા પગલાં પણ ભરવામાં આવશે.

Tags :