સુરત: ડુમસ રોડ પર BMW કારે બાઈકને ટક્કર મારતા 2 વ્યક્તિને ઈજા, આધેડનું મોત
- કારચાલક બે કિલોમીટર સુધી બાઇકને ઘસડી ગયો, કારચાલક દારૂના નશામાં હોવાની શક્યતા
સુરત, તા. 12 સપ્ટેમ્બર 2019 ગુરૂવાર
ડુમ્મસ રોડ પર એરપોર્ટ નજીક ગઈકાલે રાત્રે પૂરપાટ બી.એમ.ડબલ્યુ કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજા પામેલા બે વ્યક્તિ પૈકી એકનું મોત નીપજ્યું હતું. જોકે દારૂના નશામાં બી.એમ.ડબલ્યુ કાર ચલાવતો હોવાની શક્યતા સેવાય છે.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડુમ્મસ ખાતેના ભીમપુર ગામમાં આવેલા નવા નગરમાં રહેતા 56 વર્ષીય અશોકભાઈ પ્રભુભાઈ ખલાસી ઈચ્છાપુર રોડ પર આવેલી સિમેન્ટની કંપનીમાં નોકરી કરતા હતા.
ગઈકાલે રાત્રે અશોકભાઈ તેમની સાથે નોકરી કરતા અને ગામમાં રહેતા અનિલભાઈ ખલાસી સાથે મોટર સાઇકલ પર ઘરે આવવા નીકળ્યા હતા. તે સમય મુંબઇ રોડ પર એરપોર્ટ નજીકમાં પૂરપાટ હંકારતા બી.એમ.ડબલ્યુ (Gj-19-AF-8000) કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લીધી હતી. એટલું જ નહીં પણ કાર ચાલક બે કિલોમીટર સુધી બાઇકને ઘસડી જવાથી અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અશોક ભાઈનુ મોત નીપજ્યું હતું.
અકસ્માતને લીધે સ્થાનિક લોકોમાં અને તેમના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જ્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે કારચાલક પરેશ ગોધાણી દારૂના નશામાં હતો. જેથી પોલીસ તેને દારૂ પીધો છે કે નહીં તે માટે આજે સવારે મેડિકલ તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવી હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે અશોકભાઈ અને સંતાનમાં દિવ્યાંગ પુત્રો છે અને એક પુત્રી છે. જો કે ઘરના મોભી અશોકભાઈ સિમેન્ટની કંપનીમાં નોકરી કરતા હતા. તેમના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.