સુરત શહેરની મધ્યમાં આવેલી અઠવા પાર્ટી પ્લોટની 18 હજાર ચો.મી. જગ્યા હવે પાલિકા પાસે જ રહેશે
- પાલિકાના ભૂતકાળના શાસકોએ ઉતાવળે ભૂલ કરી જગ્યા આપી દીધી હતી
સબ જેલ ની જગ્યા મેળવવા માટે ઉતાવળા બનેલા શાસકોએ અઠવા પાર્ટી પ્લોટ સહિતના કેટલાક પ્લોટની અદલાબદલી કરી હતી તેના કારણે પાલિકાને મોટું નુકસાન થયું હતું, હવે તે હવે અટકશે
સુરત,તા.13 સપ્ટેમ્બર 2022,મંગળવાર
સુરત મહાનગરપાલિકાના પુર્વ ભાજપ શાસકોએ રીંગ રોડ સબ જેલ વાળી જગ્યા પર પાલિકાનું વહિવટી ભવન બનાવવા માટે ઉતાવળે સોનાની લગડી જેવા પ્લોટની સરકાર સાથે અદલાબદલી કરી હતી. ભૂતકાળના શાસકોની આ ભુલના કારણે શહેરની મધ્યમાં આવેલી સોનાની લગડી જેવી 18 હજાર ચો.મી. જગ્યા સરકારને આપવાની થતી હતી. પરંતુ હાલમાં થયેલી વાટાઘાટના કારણે આ જગ્યા અદલાબદલીથી સરકારને ફાળવવામાંથી મુક્તિ મળી છે.
સુરત મ્યુનિ.ના ભાજપ શાસકોએ રીંગરોડ જુની સબ જેલની જગ્યા પર નવું વહીવટી ભવન બનાવવા તથા મરઘા કેન્દ્રની જગ્યા મેળવવા સરકાર સાથે કેટલાક પ્લોટની અદલા બદલી કરવાનો નિર્ણય કર્યો હતો અને અઠવા પાર્ટી પ્લોટ સહિતના જગ્યાના કબજા પણ કલેક્ટરને સોંપી દેવામાં આવ્યા હતા.
પાલિકા અને સરકાર વચ્ચે અદલાબદલી આ નિર્ણય અંતર્ગત પાલિકાએ કલેક્ટરને ટી.પી.સ્કીમ નં.૫ (અઠવા-ઉમરા), એફ. પી. નં. એમ-૮ (સાઇટ ફોર ડિસ્ટ્રિક્ટ સેન્ટર) વાળી અઠવા પાર્ટી પ્લોટના નામે ઓળખાતી અંદાજે ૧૮૦૦૦ ચો. મીટર જગ્યા પણ ફાળવવાની થતી હતી. જોકે, આ જગ્યા મનપાના વિવિધ કાર્યક્રમોનું આયોજન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી પાલિકાએ આ જગ્યા અદલાબદલીની સરકારને ફાળવવા માંથી મુક્તિ મળી છે.
અઠવા પાર્ટી પ્લોટ વાળી 18 હજાર ચો.મી જગ્યા જે શહેરની મધ્યમાં છે અને સોનાની લગડી જેવી જગ્યા છે તે હવે પાલિકા પાસે જ રહેશે તે નક્કી થઈ ગયું છે. અદલાબદલીથી જગ્યા ફાળવણીના થયેલ ઠરાવના ભાગરૂપે મરઘા ફાર્મવાળી કુલ ૩૫૭૧૧ ચો. મીટર જગ્યાને બદલે ૧૯૭૫૦ ચો. મીટર જગ્યાનો કબજો કલેકટર પાસે મેળવવામાં આવશે.
જ્યારેમાં અગાઉ આપેલ ચાર જગ્યાઓના કબજા ઉપરાંત હવે ટી.પી.સ્કીમ નં. ૧૯ (પરવટ-મગોબ), અંતિમ ખંડ નં. ૧૧૦/૧/૩, સેલેબલ રેસિડેન્શિયલ હેતુ અનામત ૮૩૯૦ ચો. મીટર જગ્યાનો કબજો અદલાબદલીથી મનપાએ સ૨કા૨ને સોંપવાનો રહેશે. જમીન અદલાબદલી અંગેના મનપાના ૨૯ જુન, ૨૦૧૫ના સામાન્યસભાના ઠરાવમાં ફેરફાર કરવા અંગે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.