સુરતના ઉધનામાં 14 વર્ષીય તરૂણીને પરિચિત યુવાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 15 જાન્યુઆરી 2020, બુધવાર
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવાર સાથે સારો સંબંધ ધરાવતા યુવકે પરિવારની ૧૪ વર્ષીય તરૂણીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. તરૂણી ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવતા તરૂણીએ યુવક વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ૧૪ વર્ષીય તરૂણીના ઘરે તેમનો હમવતની નરેન્દ્ર યાદવ અવારનવાર આવતો હતો. હાલ સુરત જીલ્લાના કીમ ખાતે રહેતા નરેન્દ્રએ તરૂણી સાથે મૈત્રી કેળવી હતી અને તે તરૂણીનો પરિવાર ઘરે નહી હોય ત્યારે આવતો હતો અને તરૂણીને હું તને ખુબ પ્રેમ કરૂ છુ, આપણે લગ્ન કરવાના જ છે ને તેમ ભોળવી-ફોસલાવી અવાર નવાર તેની સાથે શારીરિક સબંધ પણ બાંધતો હતો. પરિણામે તરૂણી બે માસ અગાઉ ગર્ભવતી થતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.
પરિવારે તરૂણીને પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે તરૂણીએ બે દિવસ અગાઉ ઉધના પોલીસ મથકમાં નરેન્દ્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે. વધુ તપાસ પીઆઈ એમ.વી.પટેલ કરી રહ્યા છે.