સુરત: અઠવાલાઇન્સમાં ભરદિવસે બિલ્ડરના બંગલાને નિશાન બનાવી તસ્કરો રૂ.1.50 લાખ ચોરી ફરાર
- બિલ્ડર સહિત પરિવારના 10થી 12 સભ્યો હાજર હોવા છતા તસ્કરોએ પહેલા અને બીજા માળે ચાર બેડરૂમમાં ઘુસી ગયા
સુરત, તા.22 જુલાઇ 2020, બુધવાર
અઠવાલાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીમાં ભરદિવસે ત્રાટકેલા તસ્કરો બિલ્ડરના બંગલાને નિશાન બનાવી રોકડા રૂ. 1.50 લાખની મત્તા તફડાવીને ફરાર થઇ ગયા હતા.
અઠવાલાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીના બંગલા નં. 7 માં રહેતા બિલ્ડર જીગ્નેશ મગન રાદડીયા (ઉ.વ. 38 મૂળ રહે. ધજડી ગામ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ગત રોજ પત્ની રશ્મી, પુત્રી નિરવા (ઉ.વ.14), પુત્ર નિરવાન (ઉ.વ. 8), માતા-પિતા, કાકી ભારતીબેન, પિતરાઇ અંકિત અને અંકુર અને તેમના સંતાન સહિત પરિવારના તમામ સભ્યો ગત રોજ બપોરના સમયે ઘરે હતો.
ઉપરાંત ઘરના ત્રણ સર્વન્ટ અને ડ્રાઇવર પણ ઘરે જ હતા. દરમ્યાનમાં 5 વાગ્યાના અરસામાં સોલાર પેનેલ સર્વિસ માટે પરિચીત તુષારભાઇ નામની વ્યક્તિને બોલાવ્યો હતો અને અડધો કલાકમાં પેનલ સર્વિસ કરી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ રાત્રે 8.30 વાગ્યાના અરસામાં પિતરાઇ અકુંર ભોલાભાઇ રાદડીયા તેના બેડરૂમમાં ગયો હતો ત્યારે બેડરૂમનો સામાન વેરવિખેર તથા વોર્ડરોબના લોક તૂટેલા હતા અને તેમાંથી રોકડા રૂ. 1.50 લાખની મત્તા ગાયબ હતી.
તસ્કરો બંગલાની પાછળના ભાગેથી દિવાલ કુદી અંદર આવ્યા હતા અને બાલ્કની તથા બારીની એલ્યુમિનીયમ ફ્રેમ ખોલી અંદર પ્રવેશી બીજા અને ત્રીજા માળે આવેલા ચાર બેડરૂમમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માત્ર એક જ બેડરૂમના વોર્ડરોબ તોડવામાં સફળતા મળી હતી. પોલીસે સોલાર પેનલ સર્વિસ કરવા આવનાર ઉપરાંત ઘરઘાટી અને ડ્રાઇવરની પુછપરછ હાથ ધરી છે.