વાંસદા,બુધવાર
વાંસદા તાલુકામાં ખેડૂતોની જીવાદોરી સમાન જુજ અને કેલીયા ડેમમાંથી બુધવારે સવારે જુજ ડેમ 15 સે.મી. ઓવરફલો થયો હતો. આ ખુશીના સમાચાર તાલુકાભરમાં પ્રસરી જતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી. નદી કિનારાના ગામોને તંત્રએ એલર્ટ કરી દીધા હતા.
વાંસદા તાલુકામાં છેલ્લા છ દિવસથી વરસી રહેા અનરાધાર વરસાદના કારણે તાલુકાના જુજ ગામે આવેલો જુજ ડેમ બુધવારે સવારે 5 કલાકે ડેમની 1670.55 મીટરની સપાટીથી 15 સે.મી. ઓવરફલો થયો હતો. જે સાંજે 4 કલાકે 35 સે.મી. ઓવરફલો થયો હતો. જ્યારે તાલુકામાં આવેલો કેલીયા ડેમ હજુ ઓવરફલો થવામાં હજી 1.8 મીટર બાકી છે. કેલીયા ડેમની ઓવરફલોની સપાટી 113.40 મીટર છે. જ્યારે બુધવારે બપોરે 12 કલાકે 111.60 મીટર પર સપાટી હતી. આ ડેમ પણ બે દિવસમાં ઓવરફલો થવાની શક્યતા છે. જુજ જેમ ઓવરફલો થવાના ખુશીના સમાચાર વાયુવેગે તાલુકાભરમાં પ્રસરી જતાં ખેડૂતોમાં આજના દિવાસાના તહેવારમાં બમણી ખુશી વ્યાપી છે. ડેમ ઓવરફલો થતા વહીવટી તંત્રએ કાવેરી નદી કિનારે આવેલ વાંસદા તાલુકાના જુજ, ખડકિયા, નવાનગર, વાંસીયા તળાવ, વાંસદા, રાણી ફળીયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ,રૃપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર જ્યારે ચીખલી તાલુકાના દોણજા, હરણગામ, ચીખલી, ખઉંદ, વેટકી અને ગણદેવી તાલુકાના ઉંડીચ લુહાર ફળિયા, વાંણીયા ફલિયા, ગોયદી, ખાપરવાડી અને દેસરા ગામે એલર્ટ કર્યો છે.

