ગિરિમથક સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ચાર માર્ગીય રસ્તો બનશે


-માર્ગ-મકાન મંત્રીની જાહેરાત

-સાપુતારા-વઘઇ માર્ગો પર અકસ્માત નિવારવા ટેકનોલોજીથી સજ્જ રોલર બેરિંગ પ્રોટેક્શન વોલ ઉભી કરાશે

વાંસદા

ડાંગ જિલ્લામાં રૃ.૫૪૮.૮૮ લાખના માર્ગ અને મકાન વિભાગના બે પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગિરિમથક સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ચાર માર્ગીય માર્ગનું નિર્માણ કરાશે. જ્યારે સાપુતારાથી વઘઇના ઘાટ માર્ગો ઉપર અકસ્માત નિવારણ માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ રોલર બેરિંગ પ્રોટેક્શન વોલ ઉભી કરાશે.

ડાંગ આવેલા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના નવા ચાર માર્ગીય રાજ્ય ધોરીમાર્ગની જાહેરાત કરતા, આ ફોરલેન રોડ સાપુતારાથી ગલકુંડ, આહવા, સુબિર, સોનગઢ, ઉકાઈ થઈ કેવડીયા સુધી વિસ્તારાશે, જેના માર્ગમાં આવતા વિસ્તારોમાં મોટે પાયે સ્થાનિક રોજગારીનુ સર્જન શક્ય બનશે એમ કહ્યું હતુ. આ ઉપરાંત નેશનલ હાઇવે નં.૪૮ ઉપર આવેલા ચિખલીથી ગિરિમથક સાપુતારા સુધીના માર્ગને ફોરલેન બનાવવાનું બાકી કામ પૂરઝડપે પૂર્ણ થાય તે દિશામાં પણ રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. વધુમાં કહ્યું કે, વઘઇથી સાપુતારા સુધીના ૫૦ કિલોમીટરના ઘાટમાર્ગ ઉપર અકસ્માતમાં જાનહાનિને અટકાવી શકાય તે માટે રૃ.૧૦ કરોડના ખર્ચે અદ્યતન ટેકનાલોજી ધરાવતા રોલર બેરિંગ પ્રોટેકશન વોલનુ નિર્માણ કરાશે.

માછળી-ચિખલા-દિવડયાવન ગામનો જોડતા ડૂબાઉ કોઝવે ના સ્થાને નવો મેજર બ્રિજ બનશે

માછળી-ચિખલા-દિવડયાવન ગામને જોડતા ડૂબાઉ કોઝ-વેના સ્થાને રૃ.૩૫૦ લાખના ખર્ચે મેજર બ્રિજ બનશે. આ કોઝ વે ખાસ કરીને ચોમાસા દરમિયાન ડુબાણમાં જતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે અહી મેજર બ્રિજ સહિત જરૃરી રિવર પ્રોટેકશન વર્કની કામગીરી મંજૂર કરી છે. આગામી ૧૧ માસમા આ બ્રિજનું કામ પૂર્ણ થતા માછળી ગામના ૫૮૯ પ્રજાજનો સહિત ચિખલાના ૧૬૯૫, દિવડયાવનના ૬૬૪, અને ખાતળના ૧૧૨૫ મળી કુલ ૪૦૭૩ ગ્રામજનોને ચોમાસામાં આવાગમન માટે ઉપયોગી પુરવાર થશે.

ધવલીદોડ-પીપલાઇદેવી માર્ગનું નવિનીકરણ થયું

૧૩.૨૬૦ કિલોમીટરની લંબાઈ ધરાવતા ધવલીદોડ-ધૂડા-પીપલાઈદેવી માર્ગનું રૃ.૧૯૮.૮૮ લાખના ખર્ચે નવિનીકરણની કરવામાં આવ્યુ છે. માર્ગ સુધારણાની આ કામથી ધવલીદોડના ૨૨૮૦, ધૂડાના ૭૮૯, પીપલપાડાના ૨૨૪, અને પીપલાઈદેવીના ૬૫૯ મળી કુલ ૩૯૫૨ ગ્રામજનોનો વાહન વ્યવહાર સરળ બનવા સાથે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, અને સ્થાનિક ખેડૂતોને તેમની ખેતપેદાશોના સરળ વાહતુકની સુવિધા મળી રહેશે.

સાંસદે બીલીમોરા-મનમાડ રેલ લાઇનનું ફરી સપનું બતાવ્યું

ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલે પ્રાસંગિક પ્રવચનમાં બીલીમોરા-વઘઇ-સાપુતારા-મનમાડ (નાશિક)ને જોડતી રલવે લાઇનના સર્વેનું કાર્ય પૂર્ણ થઈ ગયું હોવાનું જણાવ્યુ હતુ. પાછલા ઘણા વર્ષોથી અંતરિયાળ વિસ્તારના પ્રજાજનોની આશા અને અપેક્ષાઓ મુજબ આ વિસ્તારોના ગ્રામજનો માટે સ્વપ્ન સમાન આ રેલવે  લાઇન  અહીના વિસ્તારની કાયાપલટ કરશે તેવુ સપનું બતાવ્યું હતુ.

 

City News

Sports

RECENT NEWS