ગોધરાના ગોવિંદીગામે દારૂ પીને પતિને જીવતો સળગાવી દેનાર મહિલાની ધરપકડ
-પતિનું મોતઃમહિલા જેલભેગીઃત્રણ સંતાનો નોંધારા
ગોધરા,તા.17 જાન્યુઆરી 2019 ગુરૂવાર
બુધવારની સમી સાંજે ગોધરા તાલુકાના ગોવીંદી ગામે ચકચારી કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી દારૂ પીવાની આદત ધરાવતી પત્નીએ આડા સબંધ ને લઈને પોતાના પતિ પર કેરોસીન છાંટી સળગાવી દેતા ગંભીર રીતે દાઝેલા પતિને 108 મારફતે સાત વર્ષીય પુત્ર ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન પિતાનું મોત નિપજતા પુત્ર ભાગી પડ્યો હતો નિષ્ઠુર બનેલી માતા ઘટનાને અંજામ આપી ઘરેથી ફરાર થઈ ગઈ હતી ગોધરા એ ડિવિઝન પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યારી બનેલ પત્ની ની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી
ગોધરા તાલુકાના ગોવીંદી ગામે રહેતા ગુરજીભાઈ મનહરભાઈ તાડવીના લગ્ન બુધિબેન સાથે થયા હતા બુધિબેન દારૂ પીવાની આદત ધરાવતી અને તેના આડા સબંધ ને લઈને બંને વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી બુધવારની સમી સાંજે ગુરજીભાઈ જમવા બેઠા હતા તે દરમ્યાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાઈ જઈ બુધિબેને કેરોસીનનું કારબુ લઈ આવી પોતાના પતિને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ગુરજીભાઈના શરીર પર કેરોસીન છાંટી સળગાવી દેતા ચકચાર મચી જવા પામી હતી પતિને સળગતો મૂકી પત્ની પોતાના માસુમ સંતાનોને છોડીને ફરાર થઇ ગઈ હતી અગન જવાળા ઓમા લપેટાયેલા ગુરજીભાઈએ બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સાત વર્ષીય પુત્ર રોહિત ગુરજીભાઈને 108 મારફતે હિંમતભેર એકલો ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો જેને લઇ હોસ્પિટલમાં હાજર મેડિકલ સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાયો હતો બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ગુરજીભાઈની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી જોકે 80 ટકા શરીરનો ભાગ દાઝી ગયેલો હોવાથી મધ્ય રાત્રીએ તેઓનું મોત નિપજતા પુત્ર રોહિત ભાગી પડ્યો હતો પોલીસે હત્યારી પત્ની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારી બનેલ બુધિબેનની ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે આ ચકચારી કિસ્સામાં પિતાનું મોત થતા અને માતાની પોલીસે ધરપકડ કરતા માસુમ સંતાનો નોધારા બન્યા હતા