દાહોદ જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિના મોત
દાહોદ તા.30 ડિસેમ્બર 2019 સાેમવાર
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં અમદાવાદના એક સંત સહિત બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે બે વ્યક્તિઓને શરીરે ઈજા થઇ હતી.
પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે બનવા પામ્યો હતો જેમાં એક બોલેરો ગાડીના ચાલકે પુરઝડપ કાર હંકારતાં સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલ ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી તે દરમિયાન બોલેરો ગાડીનું ટાયર ફાટી જતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અમદાવાદ મુકામે રહેતા સંત ગણેશદાસજી મહારાજ કારની નીચે આવી જતાં તેમનુ મોત નીપજ્યું હતુ.
આ સંબધે અમદાવાદ ખાતે રહેતા સંત કિશોરદાસ મહારાજ ઉર્ફે કૃષ્ણકુમાર વૈરાગી વૈષ્ણુ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ લીમખેડા તાલુકાના પાણીયા ગામે બનેલા બનાવમાં એક અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપ હંકારતાં દાહોદ તાલુકાના લીમડાબરા ગામે પટેલ ફળિયામાં રહેતા નાજુભાઈ કાળીયાભાઈ દેવધાની બાઇકને અડફેટમાં લઈ ભાગી જતાં નાજુભાઈને શરીરે ગંભીર ઈજા થતાં તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા નાજુભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ.
જ્યારે પાછળ બેઠેલ કાંતાબેન તથા અજયભાઈને શરીરે ઓછી વધ ઈજા થતા તેઓ હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે. આ બાબતે દાહોદના લીમડાબરામાં રહેતા નાનીયાભાઈ પીદીયાભાઈ દેવધાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.