દાહોદમાં કતલખાને લઈ જવાતી 22 ગાયોને બચાવાઈ
ગૌવંશને પાંજરાપોળમાં ખસેડાયુ
દાહોદ,તા.૭,ઓક્ટોબર,2018,રવિવાર
દાહોદ શહેરમાં ગોરક્ષકોની આટઆટલી સક્રિયતા હોવા છતા ગોમાંસનો વેપલો ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. અને રોજેરોજ કેટલીય ગાયોની કતલ કરવામાં આવતી હોવાની ચર્ચાઓ છે. તેવા સમયે આજે ગોરક્ષકોની મહેનત રંગ લાવી હોય તેમ રર જેટલા ગોવંશને કતલખાને જતી અટકાવી ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ આજરોજ વહેલી પરોઢે નસીરપુર દરગાહવાળા રોડે કતલ કરવા માટે મોટી સંખ્યામાં ગોવંશ કતલખાને લઈ જવાતું હોવાની બાતમી ગોરક્ષકોને મળતા જ ગોરક્ષકોની ટીમ ભારે હીમ્મતભેર નસીરપુર દરગાહની પાછળના ભાગે અંધારે અંધારે જ પહોંચી ગઈ હતી.
તે વખતે ગોવંશનું ધણ લઈને આવી રહેલા લોકો ગોરક્ષકોને જાઈને ગોવંશ ત્યાં જ છોડી નાસી ગયા હતા.
જે બીન વારસી ગોવંશ ગોરક્ષકોએ પકડી રર જેટલું ગોવંશ હિમ્મતભેર પકડ્યું હોવાની જાણ દાહોદ ટાઉન પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે મારતી મોટરે દોડી ગઈ હતી.
ગોરક્ષકોની મદદથી ગાયો અને બળદો મળી રર જેટલા ગોવંશને અત્રેના ટાઉન પોલીસ મથકે લાવી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા હતા.
ટાઉન પોલીસ આ અંગેના જરૂરી કાગળીયા કરી ગોવંશને સુરક્ષીત સ્થાને એટલે કે ગોશાળામાં મોકલી આપવાની કામગીરીમાં જાતરાઈ છે.