Get The App

વઘાર માટે તેલ નહીં મળતાં મહિલાએ આત્મહત્યા કરી

-ફતેપુરા તાલુકાના રાવળના વરણા ગામે ગરીબ કુટુંબની પરિણીતાને લોકડાઉન ભરખી ગયું

Updated: May 8th, 2020

GS TEAM

Google News
Google News
વઘાર માટે તેલ નહીં મળતાં મહિલાએ આત્મહત્યા કરી 1 - image

સુખસર તા.8 મે 2020 શુક્રવાર

દેશમાં લોકડાઉનની શરૃઆતમાં બધુ ઠીક ઠાક ચાલ્યુ. પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ લોકડાઉનની આડ આસરો સામે આવવા માંડી. લોકડાઉનના 43 દિવસ બાદ હવે તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે.

ગરીબ પરિવારોની રોજગારી બંધ થવાના કારણ મુશ્કેલીમાં  મુકાયા છે. અનેક પરિવારો બે ટંકના રોટલા માટે ઝઝૂમી રહ્યા છે. લોકડાઉનની વિપરીત અસરની કરૃણ ઘટના ફતેપુરા તાલુકાના એક ગામે બની છે. 40  રૃપિયાની મજૂરીમાંથી વઘાર માટે તેલ ન લાવી શકનાર પતિને પત્ની ગુમાવવાનો વારો આવ્યો હતો.

લોકડાઉનમાં ફતેપુરા તાલુકાના  નાનકડા ગામમાં કરૃણ ઘટના ઘટી છે. ફતેપુરા તાલુકાના રાવળના વરણા ખાતે રહેતા લક્ષ્મણભાઈ રૂપચંદભાઈ રાવળ ખેતીવાડી દ્વારા છૂટક મજૂરી કામ ધંધો કરી પોતાના ત્રણ સંતાનો સહિત પત્નીનું ગુજરાન ચલાવતા હતા.ગુરૃવારના રોજ લક્ષ્મણભાઈ મજૂરી અર્થે સુખસર ગામમાં  ગયા હતા અને જ્યાં ખાતરની બોરીઓની હેરાફેરી કરવાની 40 રૃપિયા મજૂરી  મળી હતી.  આ નાણામાંથી  તેમણે 20 રૂપિયાના બટાકા તથા 10  રૂપિયાના પૌવા લઈ 11 વાગ્યે ઘરે પહોચ્યા હતા.  

ઘરે પહોચી  સામાન  પત્નીને  સામાન આપતા પત્નીએ કહ્યું 'તમે  આટલો સમાન લાવ્યા છો? તો તેલ કેમ લાવ્યા નથી? મારે તેલ વિના જમવાનું કેવી રીતે બનાવવું?' તેમ કહી  ગુસ્સે થઈ  ગઇ હતી.જેથી લક્ષ્મણભાઈ એ જણાવેલું  કે 'મને  40  રૂપિયાની મજૂરી મળેલી હતી તો હું તેલ કેવી રીતે લાવું? હું સાંજના મજુરી કામે જઈશ અને પૈસાની સગવડ કરી લઇ આવીશ ,તેમ કહી લક્ષ્મણભાઈ ખાટલામાં આડા પડયા હતા.

તે દરમિયાન બપોરે  દોઢ વાગ્યે  પારૂલબેન નાના છોકરા વિશાલને સાથે લઈ ચાલ નદીએ જવું છે.તેમ કહી ઘરેથી નીકળી હતી. થોડી વાર બાદ તેમનો દીકરો વિશાલ દોડતો આવી 'પપ્પા મમ્મી તો નદીવાળા કૂવામાં કૂદી પડી છે'.તેમ કહી બૂમાબૂમ કરી રડવા લાગ્યો હતો. જેથી લક્ષ્મણભાઈ તથા આસપાસના માણસો કૂવા પાસે દોડી જઇ  તપાસ કરતા પારુલબેન મળી આવેલા નહીં.

ગામના  સરપંચને વાત કરતાં સુખસર પોલીસ સ્ટેશન તથા ઝાલોદ ફાયરબ્રિગેડને જાણ કરતાં પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. કૂવામાં વધુ પાણી હોય ગામમાંથી ફાઈટર મશીન લાવી  કૂવામાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાણી વધુ હોવાથી સમય વધુ લાગે તેમ જણાતા ફાયર બ્રિગેડના જવાનોએ તેમની પાસેના સાધનો કૂવામાં નાખતા પારુલબેનની લાશ મળી આવી હતી. લાશને બહાર કાઢી સુખસર સરકારી દવાખાનામાં લઈ જતા પારૃલબેનને મૃત જાહેર  કર્યા  હતા.

આમ લોકડાઉન ગરીબ પરિવારને વઘારનું તેલ પણ ન આપી શકતાં  પરિણીતાએ ઊંડા કૂવામાં મોતનો ભૂસકો મારી મોત વ્હાલુ  કર્યું હતું.

 આ બાબતે મૃતક પારુલબેનના પતિ લક્ષ્મણભાઈ રાવળ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા મૃતક પારૃલબેનની લાશનું સુખસર સરકારી દવાખાનામાં પી.એમ કરાવતા વધુ પાણીપી જવાના કારણે મોત નીપજ્યું   હતું.

પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી લાશના પી.એમ.બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી  તપાસ હાથ ધરી હતી. 

Tags :