ભોજેલા ગામે ચાર દિવસ પહેલા ગુમ થયેલા આધેડની લાશ કૂવામાંથી મળી
-અકસ્માતે કૂવામાં પડતા વધુ પાણી પી જવાના કારણે મોત થયુ હોવાનું પી.એમ. રિપોર્ટમાં પ્રાથમિક તારણ
સુખસર તા.30 નવેમ્બર 2019 શનિવાર
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના કૂવાઓમાંથી સમયાંતરે લાશો મળવાનો સીલસીલો ચાલુ છે. કેટલાક કિસ્સા અકસ્માતે કૂવામાં પડતા મોત નિપજવા બાબતે તથા અનેક કિસ્સા હત્યા કરી ફેંકી દેવાયેલ લાશો મળી આવવાના અનેક બનાવો અગાઉ બની ચૂકેલા છે. તેમાં વધુ એક બનાવ ચાર દિવસથી ગુમ ભોજેલાના આધેડની લાશ ચાર દિવસ બાદ કૂવામાંથી મળી આવી હતી.
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે રહેતા રામાભાઇ નવલાભાઇ ડામોર (ઉ.વ.55 )ખેતીવાડી દ્વારા ગુજરાન ચલાવતા હતા.જેઓ તા.26 ના રોજ ગામમાં બોર કાઢવા માટે ગાડી આવેલા છે.તે બાજુ ગયેલ હતા .તે બાદ મોડે સુધી પરત ઘરે નહીં આવતા ઘરના સભ્યોએ આસપાસમાં તથા સગા સંબંધીઓમાં તપાસ કરવા છતાં તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
સવારના અરસામાં કુટુંબી બાબુભાઈ ભાભરાભાઈ ડામોરે ઘરે આવી જણાવેલ કે,કૂવામાં કોઈક પડી ગયેલી છે.તેની લાશ કૂવામાં તરે છે. તેવી વાત સાંભળતા પરિવારજનો કૂવા પાસે દોડી ગયા હતા.જ્યાં જઈ જોતા લાશ ઉંધી તરતી હતી.જેની તપાસ કરતા આ લાશ રામાભાઇ ડામોરની હોવાનું જોવા મળ્યું હતું.
ચાર દિવસથી લાપતા રામાભાઇ ડામોરની લાશ કૂવામાંથી મળી આવતા મૃતકના ભાઇ શંકરભાઈ નવલા ડામોરે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સુખસર પોલીસે કૂવા પાસે જઈ પંચકેસ બાદ લાશને કૂવામાંથી બહાર કાઢી હતી. સુખસર સરકારી દવાખાનામાં પી.એમ.માટે મોકલી આપી હતી.જ્યાં પી.એમ. કરાવતા કૂવામાં પડતા વધુ પાણી પી જવાના કારણે મોત નીપજ્યું હોવાનું અને ચારેક દિવસથી મૃતક કૂવામાં પડેલા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવવા પામેલ છે.પી.એમ.બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.