લીમખેડામાં નવરાત્રિમાં ગરબા જોવા ગયેલા શિક્ષકના બંધ મકાનમાં ચોરી
લીમખેડા તા.8 ઓક્ટાેબર 2019 મંગળવાર
લીમખેડા નગગરમાં ચિત્રકુટ સોસાયટીમાં ગઇ કાલે રાત્રે પરિવાર સાથે ગરબા જોવા ગયેલા શિક્ષકનાં બંધ મકાનને નિશાન ત્રાટકેલા તસ્કરોએ દરવાજાનું તાળુ તોડી ઘરમાં તીજોરી માં મુકી રાખેલ રોકડા રૂ.47 હજાર તથા સોનાચાંદીના ઘરેણાં મળીને કુલ રૃપિયા 92,500 ની માલમત્તાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
લીમખેડા નગર સ્થિત ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર જયંતિલાલ દેવડા ધાનપુર તાલુકાનાં ચોર બારીયા ગામે આવેલ બેડાત ફળીયાની પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે રાત્રે છેલ્લો ગરબો હોવાથી દુધીયાગામે રહેતા તેના માતા-પિતા ગરબા જોવા માટે લીમખેડા કાતે આવ્યા હતાં .તેથી તેઓની સાથે આ જીતેન્દ્રભાઇ બેવડા તેની પત્ની જાગૃતિબહેન તથા બે બાળકો સાથે ઘરનાં દરવાજાને લોક મારી ગરબા જોવા માટે ગયાં હતાં.
દરમિયાન રાત્રિનાં અઢી વાગ્યાનાં સુમારે તેઓનાં ઘરને કોઇ અજાણ્યાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.ઘરનાં મુખ્ય દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અંદરનાં રૃમમાં મુકી રાખેલ તીજોરી તોડી તેમાંથી રોકડ રૂ.47000 તેમજ ત્રણ તોલા વજનનો સોનાનો સેટ, સોનાનું પેંડલ, સોનાની ત્રણ જોડ બુટ્ટી, સોનાની વીટીં, સોનાની ચુની, ચાંદીની ઝાંઝર, ચાંદીની બેજોડ પાયલ, ચાંદીનો કંદોરો, મળી કુલ રૃપિયા 92,500 માલમત્તા ચોરી તસ્કરો ભાગી છૂટયાં હતાં.
આ બનાવ સંદર્ભે ઘરમાલીક જીતેન્દ્ર દેવડાએ આપેલી ફરિયાદનાં પગલે લીમખેડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો દાખલ કરી તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવિજ હાથ ધરી છે.