દાહોદના અંજુમન હોસ્પિટલના ખાતે એક્ટિવા હટાવવાના મુદ્દે એક જ કોમના બે ટોળા વચ્ચે ધિંગાણુ
-6 ઈજાગ્રસ્તો પૈકી ગંભીર ઈજા પામેલા ચારને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા
દાહોદ તા.3 ડિસેમ્બર 2019 મંગળવાર
દાહોદ શહેરના અંજુમન હોસ્પિટલના રસ્તા ખાતે ગત રોજ રાત્રીના સમયે એક્ટીવા ગાડી હટાવવાની મુદ્દે થયેલ બોલાચાલીની અદાવત રાખી આઠ જેટલા ઈસમોના ટોળાએ પોતાની સાથે ચપ્પુ, તલવાર,લાકડી જેવા મારક હથિયારો સાથે ઘસી આવી ચાર યુવકોને ચપ્પુના તથા તલવારના ઘા છીંક્યા હતા. જેઓને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ ચાર પૈકી કેટલાકને વધુ સારવાર માટે વડોદરા મુકામે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.
લઘુમતી કોમના બે પક્ષો વચ્ચે હિંસક મારા મારીના બનાવના પગલે પોલીસ તંત્ર પણ દોડતુ થઈ ગયુ હતુ અને જરૃરી સ્થળોએ નાકાબંધી પણ કરી દેવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્રીત થયા હતા.
દાહોદ શહેરમાં કસ્બા વિસ્તારમાં હુસૈની હોલ સામે રહેતા યુસુફખાન મેહમુદખાન મોલવી(પઠાણ) દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.2 ના રોજ રાત્રી દાહોદ શહેરના અંજુમન હોસ્પિટલ સામે ફુડ ડીલેસીયસ હોટેલ પાસે યુસુફખાનના ભત્રીજા રૂસાનખાન તથા આફતાબખાન સાથે એક્ટીવા હટાવવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તાર ખાતે રહેતા સોકતભાઈ ફખરૃભાઈ સૈયદ, ઈમ્તીયાજ ઉર્ફે ઈનીયો ફખરૃભાઈ સૈયદ, ઈસ્તીયાક સોકતઅલી સૈયદ, નવાજીસ આરિફ સૈયદ, મુખ્તીયાર ફખરૃ સૈયદ, સલમાન સબ્જીફરોજ, અવેસ સોકત સૈયદ,આફતાબઅલી મુખ્તીયારઅલી સૈયદનાઓએ ભેગા થઈ તલવાર, ચપ્પુ, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે યુસુફખાનની હોટલ તરફ ઘસી આવ્યા હતા.
યુસુફખાને ઈસ્તીયાકને કહ્યું હતું કે, તુ આટલા બધા માણસો લઈ સમાધાન કરવા આવેલ છે કે, ઝઘડો કરવા, તેમ કહેતા બેફામ ગાળો બોલી, એઝાઝખાનને સોકતભાઈએ ડાબી બાજુ પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતુ. નવાજીસે પોતાના હાથમાની તલવાર જાવેદને મારવા જતાં જાવેદભાઈએ સ્વબચાવમાં તલવાર પકડવા જતાં તેમને હાથ ભાગે તલવાર વાગતા લોહી લુહાણ થઈ ગયા હતા. ઈમ્તીયાજ ઉર્ફે ઈનીયાએ જાવેદભાઈને માથામાં, હાથના ભાગે તથા બાવળાના ભાગે તલવાર ઝીંકી હતી.
બીજી તરફ ઈસ્તીયાકભાઈએ આકિબને ડાબી છાતીની નીચેના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા તથા મુખ્તીયારે વાસીફખાનને ડાબી બાજુ છાતીના ભાગે ચપ્પુ મારી તેમજ અવેસ તથા આફતાબઅલીને માર મારી ધિંગાણુ મચી જતાં સમગ્ર દાહોદ શહેરમાં રાત્રીના સમયે ખળભાળટ મચી જવા પામ્યો હતો.
ઘટનાને પગલે દાહોદ શહેર પોલીસ સ્થળ પર દોડતી થઈ હતી. ગંભીર ઈજાગ્રસ્તોને લોહી લુહાણ હાલતમાં દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ તથા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા. પોલીસ દ્વારા સ્થળો પર નાકાબંધી કરી દેવામાં આવી હતી.