પીપળીયા ગામે સરપંચની ચૂંટણીની અદાવતે ૨૯ શખ્સો દ્વારા સશસ્ત્ર હુમલો
-ઘાસના ઢગલામાં આગચંપી કરી રોકડની લૂંટ
દાહોદ, તા.25,જાન્યુઆરી,2019,શુક્રવાર
ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે સરપંચની ચૂંટણીની અદાવત રાખી જીતેલા ઉમેદવાર તથા તેના સમર્થકો મળી ર૯ જેટલા ઈસમોના ટોળાએ હારેલા ઉમેદવારના ઘરે લોખંડની પાઈપ, બંદુક જેવા હથિયારો સાથે આવી માર મારી ઘરો ઉપર પથ્થરમારો કરી ઘર આગળ કરેલ ઘાસના ઢગલામાં આગ ચાંપી હતી.
ઘરમાંથી એક કિલો ચાંદીના દાગીના તથારૂપિયા બે લાખની રોકડની લૂંટ કરી ધિંગાણું મચાવી નાસી ગયાનું જાણવા મળેલ છે.
ગત તા.ર૦મી ના રોજ પીપળીયા ગામના સરપંચની ચુંટણી હતી. તેમાં દિવ્યેશભાઈ વાલસીંગભાઈ આમલીયારની હાર થઈ હતી. રમેશભાઈ સોમલાભાઈ આમલીયારની જીત થઈ હતી. તે ચૂંટણીની અદાવત રાખી જીતેલા ઉમેદવાર રમેશભાઈ સોમલાભાઈ આમલીયાર તેના સમર્થકો આમલીયાર કુટુંબના દિનેશભાઈ દીતાભાઈ, સુરેશભાઈ જારાભાઈ, કિશોરભાઈ જારાભાઈ, રાજેશ રતનાભાઈ, સુશીલાબેન સુરેશભાઈ, સુસીલાબેન રમેશભાઈ, રમેશ વરસીંગ, દીલીપ મલસીંગભાઈ, ટીટાભાઈ દિનેશભાઈ, શૈલેષ દિનેશભાઈ, બાબુભાઈસામજીભાઈ, સામજીભાઈ સડીયાભાઈ, અનીલ રમેશભાઈ, રતનાભાઈ પુંજાભાઈ, પ્રકાશભાઈ કસનાભાઈ, દિવાનભાઈ પ્રકાશભાઈ, રમેશભાઈ ગજસીંગભાઈ,
અલ્કેશભાઈ સુરસીંગભાઈ, સુભાષ હકલાભાઈ,મલસીંગ રામસીંગભાઈ,કમલેશભાઈ મડીયાભાઈ,પીથાભાઈ સોમજીભાઈ, મહેશભાઈ હકલાભાઈ રાજેશભાઈ મંગાભાઈ, કમલેશભાઈ મડીયાભાઈ, શૈલેષભાઈ મડીયાભાઈ, પીન્ટુભાઈ સુરસીંગભાઈ તથા કસનાભાઈ નરસીંગભાઈ વગેરેએ ભેગા મળી ગતરોજ મોડી સાંજે હારેલા ઉમેદવાર દિવ્યેશભાઈ આમલીયાર અને તેના સગાઓના ઘર આગળ લોખંડની પાઈપ, બંદુક જેવા હથિયારો સાથે આવ્યા હતા. તેમણે અમો જીતી ગયા છે., તમારાથી થાય તે કરી લેજા કહી રમેશભાઈ સોમાભાઈએ હાથમાં રહેલા હથિયારથી અશ્વીનભાઈ શેતાનભાઈ અમલીયારના બંને હાથો પર મારી ઈજા કરી હતી.
કલસીંગભાઈ પુનીયાભાઈના ઘરની બાજુમાં મુકેલ ઘાસમાં આગ ચાંપી સળગાવી દીધુ હતુ. અને કલસીંગભાઈના ઘરમાં મુકી રાખેલ પાંચસો પાંચસો ગ્રામ વજનના ચાંદીના બે ભોરીયા તથા રૃપિયા ર લાખની રોકડ રમેશભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ તથા રાજેશભાઈ લૂંટ કરી લઈ ગયા હતા. તથા સુરેશભાઈ જારાભાઈ એ કબુડીબેન પુનીયાભાઈને લોખંડની પાઈપ વડે બંને હાથ પર માર મારી ઈજા કરી હતી.
દિનેશભાઈ દીતાભાઈ આમલીયાર તથા કિશોરભાઈ જારાભાઈ આમલીયારે લોખંડની પાઈપ વડે માર મારી કાળુભાઈ બદીયાભાઈ તથા કલસીંગભાઈ પુનીયાભાઈને ઈજા પહોંચાડી તેઓના ઘરો પર છુટા પથ્થરો મારી ધાડલુંટ કરી ધિંગાણું મચાવી નાસી ગયા હતા. આ સંબંધે પીપળીયા ગામના માળ ફળીયામાં રહેતા અશ્વીનભાઈ શેતાનભાઈ આમલીયાર એ તેના જ ગામના ર૯ જેટલા ઈસમોના ટોળા વિરૂધ્ધ લીમડી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.