દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના કપડાના મોલમાં લાખોની ચોરી
-સીસીટીવી ફૂટેજમાં ચાર પૈકી બે તસ્કરોના ચહેરા સ્પષ્ટ દેખાયા
દાહોદ તા.29 ઓગષ્ટ 2019 ગુરૂવાર
દાહોદ શહેરમાં કપડાના શોરૃમની પાચમા માળની ધાબાની બારી તોડી ચાર તસ્કરોએ હાથફેરો કર્યો હતો. શો - રૃમના ગલ્લામાંથી અંદાજે રોકડા ૧ લાખની રોકડ અને કપડાં સહિત લાખ્ખોની ચોરી કરી ભાગી ગયા હતા.
પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી રહી હતી. ચોવીસે કલાક ધમધમતો અને રહેણાંક વિસ્તારમાં ચોરીની ઘટના પોલિસ પડકાર રૃપ સમાન બની છે. પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરતાં ફૂટેજમાં ચાર તસ્કરો દેખાયા છે જેમાં બે ચોરના ચહેરાઓ સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ માલુમ પડયા હતા.
દાહોદ શહેરમાં ચોવીસે કલાક ધમધમતા સ્ટેશન રોડ વિસ્તાર ખાતે દર્પણ સિનેમા રોડ ખાતે આવેલ કપડાનો શંકર સિલેક્શન મોલમને ગતરોજ મધ્યરાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે શો - રૃમના પાંચમા માળના ધાબા પરથી તસ્કરોએ બારી તોડી મોલમાં પ્રવેશ કર્યો હતો. ગલ્લામાંથી અંદાજે ૮૦ હજાર થી ૧ લાખની રોકડ તેમજ કપડા વગેરે મળી લાખ્ખોની ચોરી થઈ હોવાનુ બહાર આવ્યુ છે.
પોલિસ સ્થળ પર પહોંચી સીસીટીવી ફુટેજની પણ ચકાસણી કરતાં ચાર જેટલા તસ્કરો પૈકી બેના ચહેરા સ્પષ્ટ જણાઈ આવ્યા હતા. તસ્કરો મોલમાં બિંદાસ્ત ફરતા પણ માલુમ પડયા હતા.