સુખસર, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર
ફતેપુરા તાલુકાના નીનકાપૂર્વ તળગામ ફળિયામાં રહેતા ટીહાભાઇ ઉર્ફે વસંતભાઈ ઝાલા ભાઇ મછાર (ઉ.વ.૩૪) ને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ પાડલીયા ખાતે આવેલી આઇ.ટી.આઇ.માં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા.જેઓ ગુરૃવાર સવારે પત્ની રેખાબેન સાથે પોતાની બાઇક ઉપર સંતરામપુર તરફ જઈ રહ્યા હતા.
તે સમયે વાંઝીયાખૂટ ચાર રસ્તા બાયપાસ રોડ ઉપર થી બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી આવતી બાઇકનનાં ચાલકે પોતાના કબજાની ગાડીને પૂરપાટ હંકારી લાવી ટીહાભાઈ ઉર્ફે વસંતભાઈની બાઇક સાથે ટક્કર મારતા વસંતભાઈ સહિત તેમના રેખાબેન ફંગોળાઈ રસ્તા ઉપર પડયા હતા. જેમાં ટીહાભાઈ ઉર્ફે વસંતભાઈ મછારને ગંભીર ઇજા પહોંચી હતી. રેખાબેનને શરીરે ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સંતરામપુર સરકારી દવાખાનામાં ખસેડાયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે ટીહાભાઇ ભાઈ ઉર્ફે વસંતભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રેખાબેનને સારવાર અપાઇ હતી.
અકસ્માત સર્જનાર બાઇકના માલિકની ઇ-ગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા તેના માલિકનું નામ સેવક ધુ્રવ કુમાર પરેશભાઈ રહે.અમરદીપ સોસાયટી, કોલેજ રોડ, સંતરામપુર.નો હોવાનું જાણવા મળેલ છે. તે અકસ્માત સર્જી પોતાના કબજાની બાઇકને સ્થળ ઉપર છોડી ભાગી છુટયો હતો. પોલીસે બાઇક કબજે લીધી હતી.
મૃતક ટીહાભાઈ ઉર્ફે વસંતભાઈ મછારના પત્ની રેખાબેન મછારે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં, અકસ્માત કરી ભાગી છૂટેલા બાઇક ચાલક આરોપીની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરી છે. મૃતકની લાશને સંતરામપુર સરકારી દવાખાનામાં પોસ્ટ મોર્ટમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોપી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.


