દાહોદ નગર પાલિકા દ્વારા ગોધરા રોડ ખાતે દબાણ હટાવ્યા તંત્રની કામગીરીથી રહીશોમાં ફફડાટ
-કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત
દાહોદતા.2 માર્ચ 2019 શનિવાર
દાહોદ શહેરમાં થોડા સમય બ્રેક માર્યા બાદ કલેક્ટર,પોલીસ અધિક્ષક, નગરપાલિકાના હોદ્દેદારો સહિત પોલીસ કાફલાની ટીમે આજરોજ શહેરના ગોધરા રોડ ખાતે દબાણ,ઝુકાટ,ગંદકી વગેરેના મુદ્દે કાર્યવાહી કરી ખાસ કરી હંગામી દબાણ,ઝુકાટો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારના સમયે આગમન થયેલા તંત્રના પગલે ગોધરા રોડના દબાણ કર્તાઓમાં ફફડાટ જાવા મળ્યો હતો. આ બાબતેન ધ્યાને રાખીને વિસ્તારમાંથી ઘણી મોટર સાઈકલો ડીટેઈન કરી હતી.
સ્માર્ટ સીટીમાં સમાવેશ એવા દાહોદ શહેરને સ્વચ્છ,સાફ સુધરૃ તેમજ દબાણ મુક્ત કરવા તંત્રએ કમર કસી હતી .એક મહિના પહેલા આ બાબતે ગંભીર નોંધ લઈ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતેથી કામગીરી શરૃઆત કરી હતી .બાદમાં ગોદી રોડ,દર્પણ સિનેમા રોડ વગેરે વિસ્તારોમાં તંત્ર દ્વારા હંગામી દબાણો,ઝુકાટો તેમજ ગંદકી ફેલાવતા લોકો સામે લાલ આંખ કરી નોટીસો ફટકારી કાર્યવાહી પણ કરવામાં આવી હતી .
છેલ્લા કેટલાક દિવસો બાદ આજે ગોધરા રોડ વિસ્તાર ખાતે કલેક્ટર વિજય ખરાડી,પોલીસ અધિક્ષક , નગરપાલિકાના હોદ્દેદારો, પોલીસ કાફલો વગેરે બુલડોઝર,ટ્રેક્ટર,વાહન ડીટેઈન કરવાના વાહનો સાથે આગમન કર્યુ હતુ. આગમનની સાથે જ આ વિસ્તારમાં દબાણકર્તા દુકાનદારો,રહીશો,લારી ગલ્લા,પથારા વાળાઓમાં ફફડાટ જાવા મળ્યો હતો. તંત્ર દબાણ દુર કરે તે પહેલા જ તેઓએ જાતે અમુક હંગામી દબાણો,ઝુકાવો વગેરે દુર કરી નાખ્યા હતા . બીજી તરફ દુકાનાનો આગળ આવેલ ઓટલા,પાળીઓના દબાણોને બુલડોઝરની મદદથી તોડી પાડયા હતા. લારી, ગલ્લા, પથારાવાળાઓ સામે પણ લાલ આંખ કરી તેઓનો સરસામાન,કેબીનો વગેરે કબજે કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.