દાહોદના વેપારી પર સશસ્ત્ર હુમલોઃઅતિગંભીર ઈજા
બાઈક સવાર ત્રણ હુમલાખોર લોખંડની પાઈપ માથામાં મારી ફરાર
દાહોદ, તા.29,સપ્ટેમ્બર,2018,શનિવાર
દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ કોઇ અગમ્ય કારણોસર દાહોદ શહેરના નવકારનગર રળીયાતી રોડ પર રહેતા ૪૩ વર્ષીય વેપારીને માથાના ભાગે લોખંડની પાઇપ મારી અતિગંભીર ઇજાઓ કરી નાસી ગયાનું જાણવા મળેલ છે.
દાહોદના અભિષેકભાઇ નામના વેપારી ગત તા.૨૨-૯-૨૦૧૮ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે કામસર બોરડી ઇનામી ગામે ગયા હતા તે વખતે ત્યાં આવેલા ત્રણ અજાણ્યા ઈસમે પૈકી ૪૦ થી ૪૨ વર્ષીય એક ઇસમે કોઇ અગમ્ય કારણોસર અભિષેકભાઇ ના માથાના ભાગે લોખંડની પાઇપના ફટકામારી માથું લોહીલુહાણ કરી અતિગંભીર ઇજાઓ પહેંચાડી નાસી ગયા હતાં.
આ સંબંધે દાહોદ શહેરના રળીયાતી રોડ પર આવેલ નવકાર નગરમાં રહેતા વેપારી અભિષેકકુમાર કાંતીલાલ શાહ એ કતવારા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ત્રણ અજાણ્યા ઇસમો વિરુધ્ધગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.